લંડન – સાઈના નેહવાલ આજે અહીં ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સની સેમી ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર વન યીહાન વેન્ગ સામે 21-13, 21-13થી હારી જતા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની તેની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે કાંસ્ય ચંદ્રક જીતવાની તેને હજી તક છે.
યીહાનનો સાઈના સામેનો એકતરફી રેકોર્ડ અકબંધ રહ્યો છે. તે આજની મેચ સહિત સાઈના સામેની બધી ૬ મેચો જીતી છે. આજની મેચમાં એણે સાઈનાને ૩૯ મિનિટમાં હરાવી દીધી.
યીહાનની જીત સાથે આ હરીફાઈમાં ચીનનો ગોલ્ડ મેડલ નક્કી થઈ ગયો છે. કારણ કે બીજી સેમી ફાઈનલમાં બંને ચાઈનીઝ ખેલાડીઓ વચ્ચે મુકાબલો થવાનો છે.
હવે કાંસ્ય ચંદ્રક માટે સાઈનાનો મુકાબલો શનિવારે ચીનની જ ખેલાડી વેન્ગ શીન સામે થશે.
મેચ બાદ ૨૨ વર્ષની અને વર્લ્ડ નંબર-4 સાઈનાએ કહ્યું કે યીહાન સામે તેની મૂવમેન્ટ બરાબર નહોતી.



















