સેન્સેક્સ ૩૦૯ પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો, રોકાણકારો ચિંતિત

મુંબઈ – નબળા વિદેશી સંકેતોને પગલે સોમવારે દેશની શેરબજારોમાં તેજી પર બ્રેક મૂકાતા મુખ્ય ભાવાંક ફરી મંદીની ઝપટમાં આવી ગયો હતો. બીએસઈનો ૩૦-સ્ક્રીપવાળો સેન્સિટીવ ઈન્ડેક્સ (સેન્સેક્સ) ગયા બુધવારના બંધની તુલનામાં ૩૦૯ પોઈન્ટ અથવા ૧.૭૫ ટકા ઘટીને ૧૭,૦૫૩નો બંઘ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક પણ ૯૪ પોઈન્ટ ઘટીને ૫૧૮૪નો બંધ રહ્યો હતો.

આગામી ૧ એપ્રિલથી અમલમાં આવનાર જનરલ એન્ટી-અવોઈડન્સ રુલ્સ (જીએએઆર) અંગેની ચિંતા અને મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ભારે વધારાને કારણે સેન્સેક્સમાં આટલું મોટું ગાબડું પડ્યું છે.

જીએએઆર લાગુ થશે તો એફઆઈઆઈ મૂડીરોકાણમાં ઘટાડો થવાની આશંકા છે. મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં ૧૬૦ ગણો વધારો કરતા રિયલ્ટી સેક્ટરને મોટો ફટકો પડવાની સંભાવના છે.

સોમવારે સવારથી જ બજાર રેડ ઝોનમાં રહ્યું હતું. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.

સમીક્ષકોના મતે ભારતીય માર્કેટો માટે આ અઠવાડિયું મહત્વનું છે, કારણ કે તેમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની અસર જોવા મળશે.

વૈશ્વિક બજારોમાં નરમાઈ પણ સ્થાનિક બજારો પર નકારાત્મક અસર ઊભી થવાનું એક કારણ છે. સેન્સેક્સ છેલ્લા પાંચ સપ્તાહમાં સૌથી નીચે ગયો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business