લંડન – અમેરિકાની સેરેના વિલિયમ્સે શનિવારે અહીં ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી અને બે કલાક લાંબી ચાલેલી ફાઈનલ મેચમાં પોલેન્ડની એગ્નિસ્કા રાડવાન્સ્કાને ત્રણ સેટની ગેમમાં હરાવીને પોતાની કારકિર્દીમાં પાંચમી વાર વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ટ્રોફી જીતી લીધી છે.
સેરેનાએ પહેલો સેટ ૬-૧થી જીત્યા બાદ રાડવાન્સ્કાએ બીજો સેટ ૭-૫થી જીતીને મુકાબલાને રોમાંચક બનાવ્યો હતો. સેરેનાએ ત્રીજા સેટમાં પોતાની બધી ટેલેન્ટ અને શક્તિ કામે લગાડીને ૬-૨થી જીતી લઈને મેચ અને ટ્રોફી પોતાના કબજામાં લીધી હતી.
પોલેન્ડની કોઈ મહિલા ખેલાડી કોઈ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હોય એવો ૭૩ વર્ષમાં આ પહેલો જ પ્રસંગ છે.
સેરેનાએ અગાઉ ૨૦૦૨, ૨૦૦૩, ૨૦૦૯ અને ૨૦૧૦માં આ ટ્રોફી જીતી હતી. આ વખતે જીતીને તેણે આ ટ્રોફી પાંચ વાર જીતવાના તેની મોટી બહેન વીનસ વિલિયમ્સના વિક્રમની બરોબરી કરી છે.
જીત મેળવી લીધા બાદ સેરેના ચડીને બોક્સમાં ગઈ હતી અને ત્યાં એનાં પિતા, માતા અને મોટી બહેન વીનસને ભેટી હતી.
છેલ્લા સેટમાં સેરેનાએ બે વખત રાડવાન્સ્કાની સર્વિસ તોડી હતી અને મેચમાં કમબેક કરવાની તેની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું.
૩૦ વર્ષીય સેરેનાએ કારકિર્દીમાં આ ૧૪મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે.
પગની ઈજાને કારણે તે ૨૦૧૦ અને ૨૦૧૧ વચ્ચેનો સમયગાળો ટેનિસ રમી શકી નહોતી.
રનર-અપ ટ્રોફી મેળવ્યા બાદ રાડવાન્સ્કાએ કહ્યું કે, છેલ્લા બે અઠવાડિયા મારા જીવનના સૌથી શ્રેષ્ઠ રહ્યા છે. ફાઈનલ પહોંચી શકી તે બદલ હું બેહદ ખુશ છું. હું વિજેતા ટ્રોફી જીતવાનો આવતા વર્ષે ફરી પ્રયાસ કરીશ.



















