શાહરૂખ પર પ્રતિબંધઃ પાંચ વર્ષ સુધી વાનખેડેમાં પ્રવેશી નહીં શકે

મુંબઈ – મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેની સાથે ઝઘડો કરનાર બોલીવૂડ એક્ટર અને આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક શાહરૂખ ખાન પર પાંચ વર્ષ સુધી વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

બુધવારે, એમસીએના અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શાહરૂખ કોલકાતા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની લીગ મેચ બાદ દારૂ પીધેલી હાલતમાં સ્ટેડિયમમાં આવ્યો હતો અને તેના અધિકારીઓને ગાળો દીધી હતી તથા એમની પર હુમલો પણ કર્યો હતો.

શાહરૂખે બાદમાં, પોતાની પરના આરોપને ફગાવી દીધો હતો અને એમ કહ્યું હતું કે મેં દારૂ પીધો નહોતો. સ્ટેડિયમના સુરક્ષા ચોકિયાતોએ મારી પુત્રી તથા અન્ય બાળકોને ધક્કા માર્યા હતા એટલે એમસીએના અધિકારીઓએ મારી માફી માગવી જોઈએ.

ઘર્ષણનો આ બનાવ બુધવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે બન્યો હતો. કોલકાતાએ તે મેચમાં મુંબઈને ૩૨ રનથી પરાજય આપ્યો હતો.

નજરે જોનાર કેટલાકનું કહેવું છે કે શાહરૂખ તેની સાથે ઘણા બાળકોને લઈને આવ્યો હતો અને મેદાનમાં રમવા માટે જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બાઉન્ડરી લાઈન પર હાજર સુરક્ષા ચોકિયાતે તેને અટકાવ્યો હતો. શાહરૂખની દલીલ છે કે સુરક્ષા ચોકિયાતોએ કેટલાક બાળકોને પાછા મોકલવા ધક્કા માર્યા હતા અને સલામતીના નામે નાનકડી છોકરીઓને સ્પર્શ કર્યો હતો. તેને લીધે દલીલબાજી થઈ હતી અને શાહરૂખ તથા તેના સાથીઓએ સુરક્ષા ગાર્ડ્સ તથા એમસીએના અધિકારીઓને ગાળો દીધી હતી અને ઝપાઝપી કરી હતી.

આ નિર્ણયની જાહેરાત એમસીએના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખે આજે અહીં કરી છે. તેમણે કહ્યું કે, શાહરૂખ ખાનનું વર્તન અયોગ્ય અને નિયમો વિરુદ્ધનું હતું એટલે અમે તેની પર પાંચ વર્ષ સુધી વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

શાહરૂખ પર પ્રતિબંધ મૂકવો કે નહીં તે મુદ્દે નિર્ણય કરવા એસોસિએશને ખાસ મીટિંગ બોલાવી હતી અને તે પછી દેશમુખે નિર્ણયની જાહેરાત કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, News