ઈન્દોર – ગયા મહિને મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં થયેલા ઝઘડા અંગે બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન સામે ઈન્દોરની એક કોર્ટમાં એક અંગત ક્રિમિનલ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદ ઈન્દ્રજીત સિંહ ભાટિયા નામના એક સ્થાનિક વકીલ અને ચળવળકારે નોંધાવી છે. જ્યૂડિશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) સંગીતા તિવારીની કોર્ટમાં તેમણે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૨૦૦ હેઠળ આ ફરિયાદ નોંધાવી છે.
મેજિસ્ટ્રેટે આ બાબત પરની સુનાવણી માટે ૯ જુલાઈની તારીખ નક્કી કરી છે.
મુંબઈ પોલીસે ગઈ ૧૭ મેએ શાહરૂખ ખાન તથા અન્ય ત્રણ જણ સામે બિન-દખલપાત્ર ગુનો નોંધ્યો છે. ૧૬ મેની રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની એક મેચ બાદ થયેલી તે ઘટનામાં શાહરૂખને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે ઝઘડો થયો હતો.
ફરિયાદી ભાટિયાએ કહ્યું છે કે શાહરૂખને કાયદાથી પર ગણવો ન જોઈએ અને તેની સામે અદાલતમાં કામ ચલાવવું જોઈએ.



















