મુંબઈ – શિવસેનાએ જાહેરાત કરી છે કે આ વર્ષના અંતમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં તે પોતાના ઉમેદવારોને ઊભા રાખશે.
તેની આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે, કારણ કે શિવસેના બે દાયકાથી ભાજપની મિત્ર પાર્ટી રહી છે અને ગુજરાતમાં ભાજપનું શાસન છે. છતાં તેણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પણ જાહેરાત કરી હતી કે તેમની જનતા દળ (યુનાઈટેડ) પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં પોતાની જાતે લડશે. જેડી (યુ) પણ ભાજપની મિત્ર પાર્ટી છે અને એનડીએ જૂથની સભ્ય છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે અહીં પત્રકારોને કહ્યું કે, અમારી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે અને અમે તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાઉતે તેમ છતાં એમ કહ્યું નથી કે એમની પાર્ટી ગુજરાતમાં કેટલી સીટ પર ઉમેદવાર ઊભા રાખશે.



















