લંડન – અમેરિકાના વિસ્કોન્સીનના એક ગુરુદ્વારામાં અંધાધૂંધ ગોળીબાર કરીને છ શીખ શ્રદ્ધાળુઓને મારી નાખનાર ભૂતપૂર્વ સૈનિક વેડ માઈકલ પેજની માતાએ તેના દિકરાએ કરેલા અધમ કૃત્ય બદલ દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
લૌરા લીને મેઈલ ઓનલાઈનને કહ્યું છે કે મારા ૪૧ વર્ષીય દિકરા વેડ માઈકલ પેજના પિતા જેસ્સી ઓલ્વીન પેજને છૂટાછેડા આપ્યા તે પછી મારે વેડ માઈકલ સાથે કોઈ સંપર્ક રહ્યો નહોતો.
લીને કહ્યું છે કે, ગોળીબારની ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ બધા લોકો માટે મારું હૃદય દ્રવી ઊઠ્યું છે. હું બહુ જ ખેદ વ્યક્ત કરું છું.
માથે ટાલવાળો વેડ માઈકલ પેજ શ્વેત કટ્ટરવાદી હતો. એણે એક વંશીય રોક બેન્ડમાં ભાગ પણ લીધો હતો. એણે તેના હાથ પર જે સેલ્ટિક ક્રોસનું ટેટૂ ચિતરાવ્યું હતું તે શ્વેત કટ્ટરપંથી સંગઠનોનું પ્રતિક છે. પેજ ‘એન્ડ એપથી’ નામના એક શ્વેત મ્યૂઝિક બેન્ડનો વર્ષો સુધી મુખ્ય કર્તાહર્તા રહ્યો હતો.
પેજ ૧૯૯૨માં લશ્કરમાં જોડાયો હતો. એને પહેલા એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ માટે એક મિકનેક તરીકે તાલીમ આપવામાં આવી હતી. પરંતુ છ વર્ષ બાદ ગેરવર્તનને કારણે એને ૧૯૯૮માં લશ્કરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
લૌરા લીને કહ્યું કે, મારો દિકરો નાનો હતો ત્યારે મને ખૂબ વહાલો હતો. એ ખૂબ મસ્તી-તોફાન કરતો. યુવાવસ્થામાં પણ એ મૃદુભાષી હતો.




















