નવી દિલ્હી – કોંગ્રેસપ્રમુખ અને યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યુપીએ સરકારનાં ઉમેદવાર તરીકે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીને પસંદ કર્યા છે.
આ સાથે જ આ પદ માટે અને પ્રતિભા પાટીલનાં અનુગામી તરીકે સરકારના ઉમેદવાર કોણ હશે તે વિશેની અટકળોનો અંત આવી ગયો છે.
યુપીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે અહીં વડા પ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને શુક્રવારે બપોરે બોલાવેલી બેઠકમાં સોનિયાએ આ નિર્ણય લીધો હતો અને મુખરજીને રાષ્ટ્રપતિ બનાવવા ટેકો આપવા માટે તમામ રાજકીય પક્ષોને તથા વિધાનસભ્યોને અપીલ પણ કરી છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ૧૯ જુલાઈની તારીખ નક્કી કરાઈ છે અને પરિણામ ૨૨ જુલાઈએ ઘોષિત કરાશે.
પ્રણવ મુખરજી સાથે સંભવિત ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીનું નામ પણ જોરશોરથી લેવાતું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, યુપીએના સહયોગી પક્ષોએ પણ મુખરજીના નામને ટેકો આપ્યો છે અને મુખરજીને અભિનંદન આપ્યા છે. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ મુખરજીની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે.
મુખ્ય વિરોધ પક્ષ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે યુપીએ સરકાર પોતાના ઉમેદવારની જાહેરાત કરશે તે પછી તેની આગેવાની હેઠળનું વિપક્ષી એનડીએ જૂથ પોતાના ઉમેદવાર વિશેનો નિર્ણય જાહેર કરશે.




















