SCનો પિત્તો ગયો: સુબ્રત રૉયની ધરપકડનો આદેશ આપ્યો

Sahara chief Subrata Roy નવી દિલ્હી – ઈન્વેસ્ટરોના નાણાં પરત કરવાના સંબંધના કેસમાં કોર્ટ કાર્યવાહીમાં હાજર ન થવા બદલ સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રૉય સામે આજે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે.

આ કેસ સહારા ગ્રુપની બે કંપનીઓએ તેમના ઈન્વેસ્ટરોને હજી સુધી રૂ. ૨૦,૦૦૦ કરોડનું રીફંડ ન આપ્યું હોવાને અને તેને પગલે અદાલતના તિરસ્કારના ઊભા થયેલા મામલાનો છે.

ન્યાયમૂર્તિઓ કે.એસ. રાધાકૃષ્ણન અને જે.એસ. કેહરની બેન્ચે કહ્યું કે અમે કેસના કથિત કન્ટેમ્નર સુબ્રત રૉય સહારાની ધરપકડ કરવા બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરીએ છીએ. એમની ધરપકડ કરી ૪ માર્ચ, ૨૦૧૪ના રોજ બપોરે બે વાગ્યે તેમને આ કોર્ટ સમક્ષ હાજર કરવાના રહેશે.

સુનાવણી વખતે હાજર ન રહી શકવા માટે સુબ્રત રૉયે તેમની માતાની ગંભીર બીમારીનું કારણ દર્શાવ્યું હતું.

ન્યાયાધીશોએ કહ્યું છે કે, અમે સુબ્રત રૉયની વિનંતીને નકારી કાઢી છે જેમાં તેમણે કોર્ટમાં પ્રત્યક્ષ રીતે હાજર રહેવામાંથી મુક્તિ માગી છે. તે આજે પણ હાજર થયા નથી. હવે અમે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડીએ છીએ જે અનુસાર તેમણે ૪ માર્ચે હાજર થવાનું રહેશે.

સિનિયર એડવોકેટ રામ જેઠમલાની આજે રૉય વતી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે રૉયના ૯૫ વર્ષીય માતા બીમાર હોવાને કારણે તે કોર્ટમાં હાજર રહી શક્યા નથી.

તે સાંભળીને ન્યાયાધીશોએ તેમને વળતું સંભળાવ્યું કે, આ કોર્ટના હાથ ઘણા લાંબા છે. પ્રત્યક્ષ હાજરીમાંથી મુક્તિ આપવાની તમારી વિનંતીને અમે ગઈ કાલે જ નકારી કાઢી હતી. હવે આજે અમે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરીએ છીએ. આ દેશની સુપ્રીમ કોર્ટ છે. જો તમારી કંપનીના ડિરેક્ટર્સ હાજર રહી શકે છે તો તમે કેમ હાજર થઈ ન શકો?

Filed in: Breaking News, Business