પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની જરૂર શું છે? ગાવસકર

મુંબઈ – પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવા બદલ સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ઝાટકણી કાઢી છે. આ ભૂતપૂર્વ કેપ્ટનનું કહેવું છે કે એ દેશ મુંબઈ ટેરર હુમલાઓની તપાસમાં સહકાર નથી આપતો તો એની સાથે ક્રિકેટ શું કામ રમવું જોઈએ.

ગાવસકરે કહ્યું કે, મુંબઈકર હોવાને નાતે મારું માનવું છે કે એ દેશ તરફથી કોઈ સહકાર મળતો નથી તો એની સાથે ક્રિકેટ રમવાનું ફરી શરૂ કરવાની એવી તે શી જરૂર છે? આગામી સીઝનમાં ભારતીય ટીમ ઘણું ક્રિકેટ રમવાની છે. એમાં એક સિરીઝનો ઉમેરો થવાથી ક્રિકેટરો પર દબાણ આવી જશે.

ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચોની સિરીઝ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમવા ભારત આવવાની છે. નાતાલનો તહેવાર માણવા એ ટીમ સ્વદેશ પાછી જશે અને પછી પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા જાન્યુઆરીમાં પાછી આવશે.

બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ગાવસકરના ટીકાસ્ત્રોનો જવાબ આપવાનો ઈનકાર કર્યો છે અને માત્ર એટલું કહ્યું કે એમને પોતાના વિચારો પ્રદર્શિત કરવાનો અધિકાર છે.

દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસે બંને દેશના ક્રિકેટ બોર્ડના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે ભારત-પાકિસ્તાન સંબંધો માટે એ સારું રહેશે. ‘ખેલ રમવો એ શ્રેષ્ઠ ઉપાય છે. દેશ ક્રિકેટ મેચોને જોવામાં વ્યસ્ત તો રહેશે. ક્રિકેટની રમત અને ભારત-પાક સંબંધો, બંને માટે એ સારું રહેશે. ભારત સાથે ક્રિકેટ રમવાથી અમારું ક્રિકેટ પણ સુધરશે.’

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ જો કે ગાવસકરથી વિપરીત, ક્રિકેટ બોર્ડના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે બેઉ દેશ વચ્ચેના સંબંધો સુધારવા માટે આ એક સાચી દિશામાંનું પગલું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports