સુનિતા વિલિયમ્સ ફરી જશે અવકાશ યાત્રા પર

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પાછા જવા માટે સજ્જ થઈ ગયા છે. ૨૦૦૬માં સુનિતાએ આઈએસએસમાં ૬ મહિના વિતાવ્યા હતા અને આટલો લાંબો સમય સુધી ત્યાં રહેવાનો એક મહિલા તરીકે તેમણે એક રેકોર્ડ કર્યો છે.

મૂળ અમદાવાદના પિતા, દીપક પંડ્યા અને સ્લોવેનિયન માતાનાં પુત્રી સુનિતા ૧૪ જુલાઈએ અવકાશગમન કરશે. હાલ તે એ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમને આઈએસએસ ખાતે લઈ જનાર અવકાશયાન કઝાખસ્તાનના બૈકનૂર કોસ્મોડ્રોમમાંથી લોન્ચ કરવામાં આવશે.

આઈએસએસની એક્સ્પીડીશન 32 માં સુનિતા ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામગીરી બજાવશે. તેમની સાથે ફ્લાઈટ એન્જિનિયરો હશે યુરી માલેન્ચેન્કો (રશિયા) અને અકીહીકો હોશીદે (જાપાન). આઈએસએસ પર બાદમાં તે એક્સ્પીડીશન 33નાં કમાન્ડર તરીકેની કામગીરી પોતાને હસ્તક લેશે.

આઈએસએસ પર સુનિતાનાં રોકાણ દરમિયાન બે સ્કાયવોક પણ નિર્ધારિત છે.

અવકાશ સંશોધન મિશન માટે અમેરિકાની સ્પેસ રિસર્ચ એજન્સી નાસાએ પસંદ કરેલા સુનિતા ભારતીય મૂળનાં બીજાં મહિલા છે. અગાઉ કલ્પના ચાવલા હતાં. સુનિતા યુએસ નેવલ એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. તેમણે ફ્લોરિડા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS