સાઈનાનું સ્વદેશાગમન, ભવ્ય સ્વાગત

નવી દિલ્હી – લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની સિંગલ્સ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કર્યા બાદ સાઈના નેહવાલ આજે વહેલી સવારે દિલ્હી આવી પહોંચી ત્યારે તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઈના તેનાં પિતા હરવીર સિંહ નેહવાલ અને કોચ પુલેલા ગોપીચંદ સાથે બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ દ્વારા આવી પહોંચી હતી. તેમના આગમન ટાણે એરપોર્ટ પર સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત હતો.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોતાને આવકારવા માટે એકત્ર થયેલા ચાહકો સામે જોઈને સાઈનાએ હાથ હલાવ્યો હતો અને હસીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.

સાઈના બાદમાં દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઈટ પકડીને હૈદરાબાદ રવાના થઈ હતી.

સાઈનાને અસામાન્ય સંજોગોમાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીનની વર્લ્ડ નંબર-ટુ શીન વેન્ગ કોર્ટ પર પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી અને પહેલી ગેમ જીત્યા બાદ ઘૂંટણમાં દુખાવો ચાલુ રહેતા રીટાયર થઈ ગઈ હતી. તેણે મેચ પડતી મૂકી દેતા સાઈનાને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર સાઈના માત્ર બીજી જ મહિલા બની છે. પહેલી મહિલા છે વેઈટલિફ્ટર કરનમ મલ્લેશ્વરી, જેણે ૨૦૦૦ની સિડની ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ઓલિમ્પિક્સમાં ભારતનો આ કુલ ૧૦મો વ્યક્તિગત મેડલ છે. સૌથી પહેલો મેડલ ૧૯૫૨માં કુસ્તીબાજ કુશાબા જાધવે જીત્યો હતો.

વર્તમાન ઓલિમ્પિક્સમાં બે શૂટર, ગગન નારંગ અને વિજય કુમારે ભારતને અનુક્રમે કાંસ્ય અને રજત ચંદ્રક અપાવ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, olympic news