રૈના, જાડેજાએ બીજી વન-ડેમાં અપાવ્યો વિજય

Suresh Rainaકાર્ડિફ - ઈંગ્લેન્ડ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ભારતની શરૂઆત સારી થઈ છે. આજે અહીં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર ૧૩૩ રનથી પરાસ્ત કર્યું છે.

ભારતનો આ વિજય સુરેશ રૈનાની શાનદાર સેન્ચૂરી (૧૦૦ રન) અને રવિન્દ્ર જાડેજાના બોલિંગ તરખાટ (૨૮ રનમાં ૪ વિકેટ)ના મુખ્ય યોગદાનને આભારી છે. જોકે કેપ્ટન મહેન્દ્ર સિંહ અને રોહિત શર્માની હાફ સેન્ચૂરીઓ તેમજ મોહમ્મદ શમી (૩૨ રનમાં બે વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (૩૮ રનમાં બે વિકેટ)ના ઉપયોગી બોલિંગ દેખાવે પણ ભાગ ભજવ્યો છે.

પાંચ મેચોની સિરીઝની પહેલી મેચ વરસાદે સદંતર ધોઈ નાખી હતી. આમ, આજની જીત સાથે ભારતે ૧-૦ની સરસાઈ મેળવી છે.

ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૦૪ રન કર્યા હતા. ઈંગ્લેન્ડના દાવના આરંભ પૂર્વે જ વરસાદ પડ્યો હતો. તેને કારણે દાવ વિલંબમાં પડતા ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર તેને ૪૭ ઓવરમાં ૨૯૫ રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ તેની ટીમ ૩૮.૧ ઓવરમાં ૧૬૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કારકિર્દીની પહેલી જ મેચ રમનાર ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ ૪૦ રન કરીને તેની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

અહીં સોફિયા ગાર્ડન્સ ખાતેની મેચમાં ભારતના દાવની વિશેષતા સુરેશ રૈનાની કારકિર્દીની ચોથી સેન્ચૂરી (૧૦૦), કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બાવન રન અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૪૪ રનની ભાગીદારી હતી.

કારકિર્દીની ૧૯૩મી વન-ડે મેચ રમતા રૈનાએ તેના ૧૦૦ રન ૭૫ બોલમાં અને ૧૨ ચોગ્ગા, ત્રણ છગ્ગાની મદદથી કર્યા હતા.

ધોનીએ ૫૧ બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે ૬ બાઉન્ડરી ફટકારી હતી.

ઈંગ્લેન્ડના કેપ્ટન એલેસ્ટર કૂકે ટોસ જીત્યો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું.

એક તબક્કે ભારતે માત્ર ૧૯ રનના જ સ્કોરમાં શિખર ધવન (૧૧) અને વિરાટ કોહલી (૦)ની વિકેટ ખોઈ દીધી હતી. રોહિત શર્મા (બાવન) અને અજિંક્ય રહાણે (૪૧)ની જોડીએ ત્યારબાદ સ્કોરને ૧૧૦ પર પહોંચાડ્યો હતો. આ જોડી તૂટ્યા બાદ રૈનાએ ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઈ શરૂ કરી હતી. એમાં તેને ધોનીએ સરસ સાથ આપ્યો હતો.

છેલ્લે, રવિન્દ્ર જાડેજા ૯ અને આર. અશ્વિન ૧૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતની ૬માંની ચાર વિકેટ ક્રિસ વોક્સે ઝડપી હતી, ૧૦ ઓવરમાં બાવન રનના ખર્ચે.

ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, મોહિત શર્મા.

ઈંગ્લેન્ડ ટીમઃ એલેસ્ટર કૂક (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ઈયાન બેલ, જો રૂટ, ઈયોન મોર્ગન, જોઝ બટલર (વિકેટકીપર), બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, જેમ્સ ટ્રેડવેલ, જેમ્સ એન્ડરસન.

Filed in: Breaking News, Sports


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”