ભારત મોહાલી વન-ડે જીત્યું, સિરીઝ પર લીધો કબજો

સુરેશ રૈનાઃ ૮૯ રન કરીને નોટઆઉટ

મોહાલી – ભારતે અહીં ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ ઈંગ્લેન્ડને હરાવી દીધું છે. પ્રવાસી ટીમને પાંચ વિકેટથી અને ૧૫ બોલ બાકી રાખીને ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે.

આ સાથે પાંચ મેચોની સિરીઝને તેણે ૩-૧થી પોતાના કબજામાં કરી લીધી છે. રાજકોટમાં પહેલી મેચ હાર્યા બાદ તે પછીની લગાતાર ત્રણ મેચ ભારતે જીતી લીધી છે. પાંચમી અને છેલ્લી મેચ ૨૭ જાન્યુઆરીએ ધરમસાલામાં રમાશે.

આજની મેચમાં, સુરેશ રૈના ૮૯ રન અને રવિન્દ્ર જાડેજા ૨૧ રન કરીને નોટઆઉટ રહ્યા અને ટીમને જીત અપાવીને જ રહ્યા.

ઈંગ્લેન્ડના ૭ વિકેટે ૨૫૭ રનના સ્કોર સામે ભારતે પાંચ વિકેટના ભોગે ૪૭.૩ ઓવરમાં ૨૫૮ રન કરીને મેચ જીતી લીધી છે.

રૈના અને જાડેજાએ ૬ઠ્ઠી વિકેટ માટે ૮.૨ ઓવરમાં ૪૫ રનની અતૂટી ભાગીદારી કરીને ભારતનો ધબડકો થતો અટકાવ્યો એટલું જ નહીં, પણ ટીમને જીત અપાવીને જ રહ્યા.

બેટિંગમાં, ભારતના વિજયનો પાયો નાખ્યો હતો ઓપનર તરીકે આવેલા રોહિત શર્માએ – ૮૩ રન કરીને. તેની વિકેટ પડ્યા બાદ રૈનાએ ટીમની બાજી સંભાળી લીધી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૧૯) સાથ છોડી ગયા બાદ જાડેજાએ છેવટ સુધી રૈનાનો સાથ જાળવી રાખ્યો હતો.

રૈનાએ ૭૯ બોલમાં ૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૮૯ રન કર્યા તો જાડેજાએ ૨૧ રન કરવા માટે ૨૭ બોલ લીધા, જેમાં તેણે બે બાઉન્ડરી પણ ફટકારી.

ગૌતમ ગંભીર (૧૦), વિરાટ કોહલી (૨૬) અને યુવરાજ સિંહ (૩)ની કિંમતી વિકેટો ગુમાવવા છતાં શર્મા અને રૈનાએ ભારતનું સ્કોરિંગ અટકવા દીધું નહોતું.

ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ અને ત્યારબાદ પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ ગુમાવ્યા બાદ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે આ જુસ્સાવર્ધક સિરીઝ જીત હાંસલ કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports