તત્કાલ સેવાનો નવો નિયમ લાગુ થયો, બુકિંગ હવે રોજ સવારે ૧૦ વાગ્યે શરૂ થશે

મુંબઈ – બહારગામની ટ્રેનોની ટિકિટોનું તત્કાલ યોજના હેઠળ રિઝર્વેશન કરાવવા માટે બુકિંગ કાઉન્ટર પર સૂરજ ઊગે એ પહેલાથી હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, કારણ કે રેલવે પ્રશાસને ઘડેલો નવો નિયમ આજથી અમલમાં મૂકાશે. બુકિંગ કાઉન્ટરો સવારે ૮ ને બદલે ૧૦ વાગ્યાથી શરૂ થશે.

રેલવેએ તત્કાલ ટિકિટ સુવિધામાં દલાલો દ્વારા ટિકિટોના કરાતા કાળાબજારને રોકવા માટે આ નિયમ લાગુ કર્યો છે. ટિકિટોનું વિતરણ હવેથી રોજ સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે.

પ્રશાસને તત્કાલ સેવા માટે આરક્ષણ ઓફિસોમાં અલગ કાઉન્ટર ખોલવા, બુકિંગ કરનારાઓની અલગ લાઈનની વ્યવસ્થા કરવા અને કોઈ પણ પ્રકારની અનિયમિતતા પર નજર રાખવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે.

તત્કાલ સેવાને વધારે સુગમ અને સરળ બનાવવા તેમજ દલાલોના દૂષણથી મુક્ત કરવાના પ્રયાસ રૂપે રેલવેએ નિયમમાં ફેરફાર કર્યો છે. કોઈ પણ અધિકૃત એજન્ટ પણ સવારે બે કલાક આ સેવાનો લાભ લઈ નહીં શકે.

હવેથી ટ્રેન જે સ્ટેશનેથી શરૂ થતી હશે ત્યાંથી તત્કાલ ટિકિટનું બુકિંગ ટ્રેનની સફરના એક દિવસ પહેલા થઈ શકશે.

તત્કાલ સેવાનો લાભ લેતા લોકો માટે ફરિયાદો માટે હેલ્પલાઈન નંબરો પણ આપવામાં આવ્યા છે જેથી આ સુવિધાનો દુરુપયોગ થતો રોકી શકાય.

રિઝર્વેશન ફોર્મમાં યાત્રીનો મોબાઈલ ફોન નંબરની આવશ્યક્તા લાગુ કરવામાં આવી છે જેથી તે યાત્રીની પહેચાન કરવી સરળ બને.

રેલવેએ ખાસ આ સુવિધા માટે ઉચ્ચ ક્ષમતાવાળા ડેટાબેઝ સર્વરો ઉપયોગમાં લીધા છે.

વેબ સેવા એજન્ટોને જણાવાયું છે કે એ પ્રતિ દિન પ્રતિ ટ્રેન એક જ તત્કાલ ટિકિટનું બુકિંગ કરી શકશે. જેનો સમય બપોરે ૧૨ વાગ્યા પછીનો રહેશે.

કોઈ પણ ઈ-ટિકિટ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ માટે યાત્રીઓ agentcomplaint@irctc.co.in અને care@irctc.co.in નો ઉપયોગ કરી શકે છે. તદુપરાંત ટેલિફોન નંબર 011-23745962 અને 011-39340000 ઉપર પણ સંપર્ક કરી શકે છે.

હાલ તત્કાલ સેવા ૨૬૭૭ ટ્રેનો માટે ઉપલબ્ધ છે અને લગભગ ૧,૭૧,૦૦૦ સીટનું રિઝર્વેશન કરાય છે. રેલવેએ વર્ષ ૨૦૧૧-૧૨માં તત્કાલ સેવા દ્વારા રૂ. ૮૪૭ કરોડની કમાણી કરી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News