નવી દિલ્હી – જે મુસાફરો એજન્ટ્સ મારફત એર ટિકિટો બુક કરાવે છે એમણે હવે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો નહીં પડે, કારણ કે સુપ્રીમ કોર્ટે મુસાફરો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી કોઈ પણ રૂપે વસુલ ન કરવાનો એરલાઈન્સને ઓર્ડર કર્યો છે.
ન્યાયમૂર્તિ ડી.કે. જૈન અને મદન લોકુરની બેન્ચે પોતાનાં રૂલિંગમાં કહ્યું છે કે એરલાઈન્સે એક યા બીજા નામે કોઈ પણ પેસેન્જર પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસુલ કરવી નહીં.
સુપ્રીમ કોર્ટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને પણ ઓર્ડર કર્યો છે કે એર ટિકિટોની બેઝ કિંમતની અલગ અલગ રેન્જને ધ્યાનમાં લેતાં એરલાઈન્સનાં દર માળખાની ચકાસણી કરે.
કોર્ટે એ વાતની નોંધ લીધી છે કે બેઝ પ્રાઈસ નક્કી કરવા માટે અનેક પ્રકારના બેન્ડ છે જેમાં અમુક કેસોમાં તો એ કિંમત રૂ. ૧૧૨૦થી લઈને રૂ. ૩૬,૦૦૦ સુધી ચાર્જ કરવામાં આવે છે. અમને એવી માહિતી મળી છે કે બેઝિક વિમાન ભાડાંમાં અલગ અલગ રેન્જ છે. આ યોગ્ય નથી. ડીજીસીએ એરલાઈન્સનાં ટેરિફ સ્ટ્રક્ચરની ચકાસણી કરાવે એ જરૂરી છે.



















