અમદાવાદ – શનિવારે ભૂકંપના ત્રણ હળવા આંચકાએ ફરી વાર લોકોને ધ્રૂજાવી દીધા. ગુજરાતમાં લોકોએ એક આંચકાનો અનુભવ કર્યો તો મહારાષ્ટ્રમાં બે વાર ધરતી કંપી ઊઠી હતી.
સદ્દભાગ્યે ક્યાંયથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી, પરંતુ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે.
ભૂકંપનો પહેલો આંચકો સવારે ૮.૫૩ વાગ્યે ગુજરાતમાં કચ્છના રણમાં નોંધાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪ નોંધાઈ હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના વામના ગામ નજીક હોવાનું માલૂમ પડ્યું હતું.
ત્યારબાદ પડોશના મહારાષ્ટ્રમાં બે વાર ભૂકંપનો આંચકો લાગ્યો હતો. પહેલો આંચકો લાગ્યો હતો સવારે ૧૧.૦૫ વાગ્યે સતારા જિલ્લામાં અને બીજો આવ્યો હતો ૧૧.૫૮ વાગ્યે રત્નાગિરી જિલ્લામાં. પહેલા આંચકાની તીવ્રતા ૪.૯ હતી જ્યારે બીજાની ૪.
મહારાષ્ટ્રમાં બે આંચકાનું કેન્દ્રબિંદુ અનુક્રમે સતારા અને રત્નાગિરીમાં હોવાનું માલૂમ પડ્યું છે.
સતારા ભૂકંપનું કેન્દ્રબિંદુ કોયના ડેમ નજીક હતું, પણ ડેમ સુરક્ષિત છે.
આંચકાઓથી મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, સતારા, રત્નાગિરી, રાયગઢ, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર તથા કોંકણ વિસ્તારના ભાગો હચમચી ગયા હતા.
ઘણા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી ગયા હતા.
કર્ણાટકના અનેક વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી.
આંચકાનો અનુભવ બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને પણ કર્યો હતો. તેમણે ટ્વિટર પર પોતાના પેજ પર આની જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે હજી ગઈ ૧૧ એપ્રિલે ઈન્ડોનેશિયામાં આવેલા પ્રચંડ ભૂકંપને લીધે દક્ષિણ ભારતમાં પણ તેની અસર થઈ હતી.



















