કશ્મીરમાં ભારત-પાક સરહદે મળી આવ્યું બોગદું

શ્રીનગર – સત્તાવાળાઓએ જમ્મુ અને કશ્મીર રાજ્યના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪૦૦ મીટર લાંબું એક બોગદું શોધી કાઢ્યું છે.

સામ્બાના પોલીસ અધિકારી ઈસરાર ખાને પત્રકારોને કહ્યું કે, અમને સામ્બા જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખોદવામાં આવેલું એક બોગદું મળી આવ્યું છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની ચિલ્લાયારી બોર્ડર આઉટપોસ્ટ નજીક ભારે વરસાદને લીધે બેથી ત્રણ ઠેકાણે જમીન બેસી પડ્યા બાદ અમારા ધ્યાનમાં આ ભૂગર્ભમાર્ગ ધ્યાનમાં આવ્યો હતો.

ઈસરાર ખાને કહ્યું કે, જમીન બેસી પડ્યા બાદ તેનું કારણ શોધવા માટે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ સત્તાવાળાઓના આશ્ચર્ય વચ્ચે બોગદું મળી આવ્યું હતું.

તે બોગદું 3×3 ફૂટની પહોળાઈનું છે અને ચિલ્લાયારી બોર્ડર આઉટપોસ્ટથી પાકિસ્તાનના નુમેરિયાલ બોર્ડર આઉટપોસ્ટ વચ્ચે ખોદવામાં આવ્યું હતું. બોગદું જમીનની સપાટીથી ૨૫ ફૂટની ઊંડાઈએ ખોદવામાં આવ્યું હતું. એ ભારતની બાજુએ ૪૦૦ મીટર લાંબું છે. આ બોગદું કોઈ કામમાં લેવાય છે કે નહીં એની અમે તપાસ કરીએ છીએ, એમ પણ ઈસરાર ખાને કહ્યું.

આ બોગદું નવું જ ખોદવામાં આવ્યું હોય એવું લાગે છે. તેમાં બે ઈંચના પાઈપ દ્વારા હવાની સપ્લાયની વ્યવસ્થા છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાંથી ઘણા ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસી આવે છે. આ હકીકતને લીધે પાકિસ્તાન ઉપર દુનિયાના દેશોનું ખૂબ દબાણ છે.

ઈસરાર ખાનનું માનવું છે કે ભારતમાં ત્રાસવાદીઓને ઘૂસાડવાનું બહુ મુશ્કેલ હોવાથી એ લોકોએ (પાકિસ્તાનીઓએ) ઘૂસણખોરીને આસાન બનાવવા માટે બોગદું ખોદ્યું હોય એવું લાગે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news