આજથી શરૂ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ધમાલ

કોલંબો – ટીમ ઈન્ડિયાએ જેની સૌપ્રથમ ટ્રોફી જીતી હતી તે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધાની ચોથી આવૃત્તિનો આજથી શ્રીલંકામાં આરંભ થવાનો છે. ૧૨ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.

યજમાન શ્રીલંકા સી-ગ્રુપમાં છે અને સ્પર્ધાની આરંભિક મેચમાં એનો મુકાબલો આજે ઝિમ્બાબ્વે સાથે છે. હેમ્બાન્ટોટા શહેરના રાજપક્ષે સ્ટેડિયમ ખાતે આ મેચ આજે સ્થાનિક સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે રમાશે.

શ્રીલંકા આઝાદ થયું તે પછી તે યોજી રહેલી આ સૌથી મોટી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે. ૧૯૯૬માં એ ભારત સાથે સંયુક્ત રીતે આયોજિત આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું હતું. હવે ઘરઆંગણે વર્લ્ડ કપ ટ્વેન્ટી-20 પણ જીતવાનો એ મનસૂબો ધરાવે છે.

હેમ્બાન્ટોટા શ્રીલંકાના પ્રમુખ મહિન્ડા રાજપક્ષેનું વતન છે.

શ્રીલંકાની ટીમ ૨૦૦૯ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહી હતી અને ૨૦૧૦માં સેમી ફાઈનલમાં હારી ગઈ હતી.

મહેલા જયવર્દનેના સુકાનીપદ હેઠળની લંકા ટીમ આ વખતની સ્પર્ધા જીતવા માટે ફેવરિટ ગણાય છે.

આજની મેચમાં જયવર્દને ઝિમ્બાબ્વેને હળવાશથી લેવા માગતો નથી, કારણ કે T20 ફોર્મેટ ક્રિકેટમાં ઝિમ્બાબ્વે વતી સૌથી વધારે વિકેટ લેનાર ૬ બોલરોને આ વખતની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બોલરો છે – પ્રોસ્પર ઉત્સેયા, એલ્ટન ચિગુમ્બુરા, રે પ્રાઈસ, જાઈલ જાર્વિસ, ગ્રેમ ક્રીમર અને ક્રિસ પોફૂ.

શ્રીલંકાની બેટિંગનો મદાર જયવર્દને ઉપરાંત કુમાર સંગકારા અને હસન તિલકરત્ને પર રહેશે.

ભારતીય ટીમ એ-ગ્રુપમાં છે. અન્ય બે ટીમ છે – ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન. ભારતની પહેલી મેચ બુધવારે અફઘાનિસ્તાન સાથે છે.

સ્પર્ધાની ફાઈનલ મેચ ૭ ઓક્ટોબરે કોલંબોમાં પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports