વોશિંગ્ટન – ન્યૂ યોર્કના એક એરપોર્ટ પર બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનને બે કલાક સુધી અટકાયતવાળું જે અપમાન સહન કરવું પડ્યું હતું તેવી ઘટનાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે, કારણ કે અમેરિકાની સરકારે નક્કી કર્યું છે કે રાજદ્વારી માફી મેળવી ન હોય તેવી વીઆઈપી કે સેલિબ્રિટી વ્યક્તિઓએ પણ દેશના એરપોર્ટ્સ પર વિશેષ સ્ક્રીનિંગની સુવિધાને બદલે સામાન્ય ઈમિગ્રેશન કાર્યવાહીમાંથી જ પસાર થવાનું રહેશે.
આમ છતાં અમેરિકાએ કહ્યું છે કે ઈમિગ્રેશનની કાર્યવાહી કોઈ પરેશાની વગરની, સરળ બની રહે તે માટે મદદરૂપ થવા માટે તે અનેક દેશો સાથે મંત્રણા કરી રહી છે. જો કે આ દેશોમાં ભારતનો સમાવેશ કરાયો નથી.
વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન સંલગ્ન એડમિસિબિલિટી એન્ડ પેસેન્જર પ્રોગ્રામ્સના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર જોન વેગ્નરને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ભારતમાંથી આવતા લોકો માટે ઈમિગ્રેશન કાર્યવાહી પરેશાની વગરની અને સરળ બની રહે તે માટેની મંત્રણામાં તમે ભારતનો પણ સમાવેશ કર્યો છે ખરો? ત્યારે એના જવાબમાં વેગ્નરે કહ્યું કે, મને તે વિશે કોઈ જાણકારી નથી.
તેમ છતાં પરમેનન્ટ રેસિડેન્સી ધરાવતી વ્યક્તિઓ ગ્લોબલ એન્ટ્રી યોજના હેઠળ અરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિને એક વાર ફેડરલ સત્તાવાળાઓ ક્લિયર કરી દે તો તેને ઈમિગ્રેશન ઓફિસરના ચેકિંગમાંથી પસાર થવાનું ફરજિયાત રહેતું નથી. પરંતુ તેણે અમેરિકામાં પ્રવેશવા માટે ટચ-સ્ક્રીન બૂથની સેવાનો ઉપયોગ કરવો પડે.
અમેરિકામાં પ્રવેશતા મહાનુભાવોએ જો રાજદ્વારી વિઝા કે ચેકિંગમાંથી મુક્તિ મેળવી નહીં હોય તો તેમણે પણ સામાન્ય મુસાફરોની માફક એક જ ચેકિંગ કાર્યવાહીમાંથી પસાર થવું પડે.



















