લંડન – જમૈકાના વીજળીના ચમકારા જેવા રનર યૂસૈન બોલ્ટે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસનો ગોલ્ડ જીતીને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. ૧૦૦ મીટરની દોડ જીત્યા બાદ ગુરુવારે તેણે અહીં લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૨૦૦ મીટરની દોડમાં પણ પહેલો આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
૨૦૦ મીટરની દોડ તેણે 19.32 સેકંડના સમય સાથે જીતી હતી.
આ દોડમાં જમૈકાએ ક્લીન સ્વીપ કર્યું છે, કારણ કે યોહાન બ્લેક 19.44 સમય સાથે બીજો આવ્યો હતો જ્યારે કાંસ્ય ચંદ્રક વેઈર વોરેને જીત્યો 19.84 સેકંડ સાથે.
૨૦૦ મીટરની દોડ પોતાની ફેવરિટ હોવાનું બોલ્ટે રેસ પૂરી થયા બાદ કહ્યું. એ સેમી ફાઈનલમાં પણ પહેલો આવ્યો હતો.
બોલ્ટે ૧૦૦ મીટરની રેસ 9.63 સેકંડના સમય સાથે જીતી હતી. તેણે નવો ઓલિમ્પિક રેકોર્ડ કર્યો છે અને ઈતિહાસમાં બીજા નંબરનો ફાસ્ટેસ્ટ સમય નોંધાવ્યો છે.



















