લંડન – વિજય કુમારે આજે અહીં ઓલિમ્પિક્સમાં શૂટિંગની રમતમાં ૨૫ મીટરની રેપીડ ફાયર પિસ્તોલ હરીફાઈમાં બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો છે.
તેણે રશિયાના વર્લ્ડ નંબર-વન ખેલાડીને હરાવ્યો, પણ ક્યૂબાના હરીફને પરાજિત કરી શક્યો નહીં, જેણે વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી છે.
વિજય હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના હરસૌર ગામનો રહેવાસી છે. તે ભારતીય લશ્કરમાં સુબેદાર તરીકે સેવા બજાવે છે.
વર્તમાન ઓલિમ્પિક્સમાં ભારતે આ બીજો ચંદ્રક મેળવ્યો છે. બંને ચંદ્રક શૂટિંગ સ્ટારોએ જ અપાવ્યા છે. અગાઉ ગગન નારંગે ૧૦ મીટરની એર રાઈફલ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
ફાઈનલ મુકાબલામાં વિજય કુમારે આઠ રાઉન્ડની ફાયરિંગમાં ૩૦ પોઈન્ટ મેળવ્યા હતા. ૩૪ પોઈન્ટ સાથે ક્યૂબાનો શૂટર પહેલો રહ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
વિજયે ક્વાલિફાઈંગ રાઉન્ડમાં કુલ ૫૮૫ પોઈન્ટ મેળવ્યા હતા અને બીજા રાઉન્ડમાં પહોંચનાર ૧૮ શૂટરમાં ચોથા સ્થાન પર રહ્યો હતો.
ફાઈનલમાં ૬ શૂટરને સ્થાન મળ્યું હતું.
વિજય સહિત કુલ સાત નિશાનેબાજોએ ઓલિમ્પિક રેકોર્ડને તોડ્યો છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધૂમલે વિજય કુમારને રૂ. એક કરોડનું ઈનામ આપવાની ઘોષણા કરી છે.
ઓલિમ્પિક્સમાં ભારતે શૂટિંગમાં આ બીજો રજત ચંદ્રક જીત્યો છે. આ પહેલા ૨૦૦૪ની એથેન્સ ગેમ્સમાં રાજ્યવર્ધન રાઠોરે ડબલ ટ્રેપ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.
શૂટિંગમાં ભારતે આ કુલ ચોથો મેડલ જીત્યો છે. વિજય, રાઠોર અને ગગન નારંગ ઉપરાંત ૨૦૦૮ની બીજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ ૧૦ મીટર એર રાઈફલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.



















