કોહલી-રૈનાએ SLને ૬-વિકેટથી હરાવ્યું, સિરીઝ ભારતની થઈ

કોલંબો – ભારતે અહીં શ્રીલંકાને ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૬-વિકેટથી પરાજય આપીને પાંચ મેચોની સિરીઝ પર 3-1થી કબજો જમાવી દીધો છે.

ભારતની આજની જીતનો હિરો રહ્યો છે વાઈસ-કેપ્ટન વિરાટ કોહલી. તેણે સિરીઝમાં પોતાની બીજી સેન્ચૂરી ફટકારી છે. ૧૧૯ બોલમાં ૧૨૮ રન કરીને એ નોટઆઉટ રહ્યો. તેને સાથ આપ્યો સુરેશ રૈનાએ, જે ૫૧ બોલમાં ૫૮ રન કરીને નોટઆઉટ રહ્યો. બંનેએ ૬ઠ્ઠી વિકેટ માટે ૧૧૨ બોલમાં ૧૪૬ રનની અતૂટી ભાગીદારી કરી.

શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૫૧ રન કર્યા બાદ ભારતે ૪૨.૨ ઓવરમાં ચાર વિકેટના ભોગે ૨૫૫ રન કરીને મેચ આસાનીથી જીતી લીધી.

વન-ડે ક્રિકેટમાં કોહલીની આ ૧૩મી સદી છે. શ્રીલંકા સામે તેની આ પાંચમી સદી છે.

તેણે અને રૈનાએ ૨૩ મેચમાં આ ત્રીજી વાર ૧૦૦ કે તેથી વધારે રનની ભાગીદારી કરી છે.

બંને ટીમ વચ્ચે સિરીઝની પાંચમી અને છેલ્લી વન-ડે મેચ ૪ ઓગસ્ટે પલ્લીકેલેમાં રમાશે.

ભારતના દાવનો પ્રારંભ નબળો રહ્યો હતો. આગલી મેચમાં સેન્ચૂરી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ઝીરો પર આઉટ થયો હતો.

વિરેન્દર સેહવાગે ૩૪ રન કર્યા હતા તો રોહિત શર્મા (૪) ફરી નિષ્ફળ ગયો. બોલિંગમાં ચાર વિકેટ લેનાર મનોજ તિવારીએ ૨૧ રન કર્યા. ત્યારબાદ કોહલી અને રૈનાએ ટીમનું વધારે નુકસાન થતું અટકાવ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports