હૈદરાબાદ – વર્તમાન ક્રિકેટમાં અવ્વલ દરજ્જાના બેટ્સમેનોમાં જેની ગણના કરવામાં આવે છે તે વી.વી.એસ. લક્ષ્મણ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા વિચારી રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે બે ટેસ્ટની આગામી સિરીઝ તેની કારકિર્દીની છેલ્લી હોય એવો સંભવ છે. એ નિવૃત્તિનો નિર્ણય એકાદ-બે દિવસમાં જાહેર કરે એવી ધારણા છે.
પોતે દેશ માટે રમવાનું ચાલુ રાખીને યુવા બેટ્સમેનોનું સ્થાન રોકી રહ્યો છે એવી કમેન્ટ્સથી લક્ષ્મણ દેખીતી રીતે અપસેટ થયો છે.
૩૭ વર્ષના લક્ષ્મણે ૧૯૯૬માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં રમીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી લઈને તે ૧૩૪ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને એમાં તેણે ૮૭૮૧ રન કર્યા છે. તેના નામે ૧૭ સેન્ચૂરી અને ૫૬ અડધી સદી છે. એ ૮૬ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યો છે જેમાં એણે ૬ સદી સાથે ૨૩૩૮ રન કર્યા છે.
ન્યૂ ઝીલેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ ૨૩ ઓગસ્ટથી હૈદરાબાદમાં રમાશે અને બીજી મેચ બેંગલોરમાં રમાશે.
લક્ષ્મણે એક મુલાકાતમાં કહ્યું છે કે તેમે નિવૃત્તિ લેવા વિશે તેના માતાપિતા, પરિવારજનો, કોચ તથા નિકટના મિત્રો સાથે ચર્ચા કરી છે.



















