પવારે શપથવિધિ પ્રસંગ યોજવા વાનખેડે સ્ટેડિયમ મફતમાં આપ્યું છે

Wankhede Stadium મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલી જ વાર સત્તા પર આવી રહી છે. ૩૧ ઓક્ટોબરના શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસનો શપથવિધિ સમારોહ વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાનો છે. તે માટે શરદ પવારના નેતૃત્વવાળા મુંબઈ ક્રિકેટ એસોસિએશન ભાજપને એકેય રૂપિયાનો ચાર્જ કરવાનું નથી.

૪૪ વર્ષના ફડનવીસને ગઈ કાલે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તે શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં અન્ય કેટલાક સાથી પ્રધાનોની ભેગા હોદ્દાના શપથ લેશે. વાનખેડે સ્ટેડિયમમાં આ પહેલી જ વાર કોઈ સરકારી સમારંભ યોજાશે.

એમસીએના જોઈન્ટ સેક્રેટરી નીતિન દલાલે કહ્યું છે કે આ સરકારી સમારંભ હોઈ અમે કોઈ ચાર્જ લેવાના નથી. રાજ્યના ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયએ થોડાક દિવસ પહેલા એમસીએના સીઈઓ સી.એસ. નાઈકનો સંપર્ક કર્યો હતો અને નવી સરકારના શપથવિધિ સમારોહ માટે સ્ટેડિયમનો ઉપયોગ કરવા દેવાની વિનંતી કરી હતી. એસોસિએશને તે માટે સંમતિ દર્શાવી હતી.

પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે. તેમના પક્ષે હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૪૧ બેઠકો જીતી હતી. તેણે ભાજપને સરકાર રચવા માટે બહારથી ટેકો આપવાની ઓફર કરી છે. ૨૮૮-સભ્યોની વિધાનસભામાં ભાજપ ૧૨૩ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો છે.

સામાન્ય રીતે સરકારના શપથવિધિ જેવા સમારંભ રાજ ભવન ખાતે યોજાતા હોય છે, પરંતુ ૧૯૯૫માં શિવસેના-ભાજપની સરકારે મુખ્ય પ્રધાન મનોહર જોશીનો શપથવિધિ સમારંભ દાદરના શિવાજી પાર્કમાં યોજ્યો હતો.

શુક્રવારના શપથવિધિ સમારંભ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના પ્રધાનમંડળના સાથીઓ, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, નામાંકિત ઉદ્યોગપતિઓ, બોલીવૂડની હસ્તીઓ હાજર રહે એવી ધારણા છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારના શપથવિધિ સમારોહમાં આશરે ૩૦,૦૦૦ લોકો હાજર રહે એવી ધારણા છે. કાર્યક્રમના ડેકોરેશન માટે જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈને રોકવામાં આવ્યા છે.

Filed in: Breaking News, MUMBAI news


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”