દુબઈ – આંતરરાષ્ટ્રીય સેન્ચુરીઓની સદી પૂરી કરવા બદલ ભારતના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરને વિઝડન ઈન્ડિયા આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે.
તેંડુલકરે તેની ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી ગયા માર્ચ મહિનામાં ઢાકામાં રમાયેલી એશિયા કપ સ્પર્ધા દરમિયાન ફટકારી હતી.
એવોર્ડ સમારંભનું આયોજન ફિડેલીસવર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સચીનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ક્રિસ્ટલની બનાવેલી તે ટ્રોફીમાં એક ક્રિકેટ બોલને એક પુસ્તકના ખુલ્લા પાના પર મૂકેલો દેખાડવામાં આવ્યો છે.
સચીન તેની વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ૪૯ અને ટેસ્ટ મેચોમાં ૫૧ સદી ફટકારી ચૂક્યો છે.
એવોર્ડ સ્વીકાર્યા બાદ સચીન તેની કારકિર્દીની અનેક બાબતો વિશે બોલ્યો હતો. પોતાની ફેવરિટ ઈનિંગ્ઝ તેણે ઈંગ્લેન્ડ સામેની મેચની ગણાવી હતી. તે મેચ ૨૦૦૮ના ડિસેંબરમાં ચેન્નઈમાં રમાઈ હતી. એમાં તેણે ચોથા દાવમાં સદી કરી હતી અને ભારત મેચ જીત્યું હતું. પોતે કારકિર્દી તથા અંગત જીવનમાં કેવી રીતે સંતુલન જાળવે છે તે વિશે પણ સચીને જાણકારી આપી હતી. પોતાની કારકિર્દીના ઘડતરમાં સદ્દગત પિતાની સહાયતાની ઘણી અસર રહી હતી એવું પણ તેણે કહ્યું.



















