ભારતી એરટેલે વોઈસ કોલના દરમાં કરી દીધો ૧૦૦ ટકાનો વધારો

નવી દિલ્હી – ભારતની નંબર-વન મોબાઈલ ફોન કંપની ભારતી એરટેલ અને આઈડિયા સેલ્યૂલર સહિત દેશની તમામ મુખ્ય ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ તેમનાં વોઈસ કોલના દર વધારી દીધા છે. જો કે આ સમાચાર બાદ મુંબઈ શેરબજારમાં ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓના શેર ઉંચકાયા હતા. ઈન્વેસ્ટરોને એવી આશા બંધાઈ છે કે હવે એરટેલની હરીફ કંપનીઓ પણ તેમના કોલ દર વધારી દેશે.

સેક્ટરની આવકમાં વોઈસ કોલ્સનો હિસ્સો લગભગ ૮૫ ટકા છે. તેમ છતાં નવાઈની વાત એ છે કે ભારતમાં જે કોલ દર છે તેની ગણના વિશ્વમાં સૌથી ઓછા દરવાળા દેશોમાં કરાય છે.

ગ્રાહકોની દ્રષ્ટિએ, ભારતની મોબાઈલ ફોન માર્કેટ વિશ્વમાં ચીન પછીના નંબરે આવે છે.

ભારતી એરટેલે એક નિવેદનમાં કહ્યું છે કે ખર્ચમાં વધારો થવાથી અમારે વોઈસ કોલના દરમાં વધારો કરવાની ફરજ પડી છે.

ભારતી એરટેલે મોબાઈલનો કોલ દર પ્રતિ મિનિટ રૂપિયા એકથી વધારીને રૂપિયા બે કરી નાખ્યો છે.

આઈડિયાએ એક સેકન્ડનો ભાવ ૧.૨ પૈસાથી વધારીને બે પૈસા કરી દીધો છે. વોડાફોને પણ વોઈસ કોલના દરો વધારી દીધા છે.

ભારતી એરટેલે પ્રી-પેડ ગ્રાહકો માટે સ્પેશ્યલ વેલ્યુ વાઉચર્સના ભાવ ૫-૧૫ રૂપિયા વધારી દીધા છે. એરટેલે અંદાજે ૨૨ સર્કલમાં ભાવ વધારો ઝિંક્યો છે.

આ કંપનીઓએ સ્પેશિયલ ટેરિફ વાઉચર્સના દર વધારી દીધા છે અને ફ્રી મિનિટ્સનો વપરાશ પણ ઘટાડી દીધો છે.

એરટેલે ફ્રી મિનિટ્સમાં ૧૦-૨૫ ટકાનો ઘટાડો કરી દીધો છે અને સ્પેશિયલ વાઉચર્સની કિંમતમાં પાંચથી લઈને ૧૫ સુધીનો વધારો ઝીંકી દીધો છે.

આઈડિયાએ અનેક સર્કલોમાં તેની કેટલીક પ્રમોશનલ ઓફરો પાછી ખેંચી લીધી છે.

એરટેલ અને વોડાફોને તાજેતરમાં જ 2G ડેટા ટેરિફ્સમાં ૩૦ ટકાનો વધારો ફટકાર્યો હતો અને હવે વોઈસ કોલના દર વધારી દીધા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business