નવી દિલ્હી – વાર્ષિક પાંચ લાખ સુધીની આવક ધરાવતા કર્મચારીઓને, જો એમની અન્ય કોઈ આવક ન હોય અને તેમનો પગાર એક જ માલિક પાસેથી મળતો હોય તો તેમને ૨૦૧૨-૧૩ના એસેસમેન્ટ વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની જરૂર નહીં રહે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે ગયા ફેબ્રુઆરીમાં જ આ અંગેનું નોટિફિકેશન બહાર પાડી દીધું હતું.
નવો નિયમ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૨-૧૩ માટે લાગુ થશે જે માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૧૨ છે.
નાણાં મંત્રાલયનું કહેવું છે કે કરદાતા જો ચોક્કસ શરતોનું પાલન કરશે તો જ એ આ મુક્તિ માટે પાત્ર બનશે.
જે કર્મચારીઓએ તેમના માલિકને એમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ પર વ્યાજની આવક (જો હોય તો) એ જણાવેલા હશે તેમજ માલિક પાસેથી ફોર્મ નંબર ૧૬ મેળવ્યું હશે એમને જ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિનો લાભ મળશે.
કર્મચારીઓની આવક વેતનમાંથી જ મેળવી હોવી જોઈએ અને સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાંથી વાર્ષિક વ્યાજની મેળવેલી આવકનો આંકડો રૂ. ૧૦,૦૦૦થી ઓછો હોવો જોઈએ તેમજ તેમની કુલ આવક રૂ. પાંચ લાખથી વધારે હોવી ન જોઈએ (કુલ આવક એટલે ગ્રોસ ટોટલ ઈન્કમ માઈનસ ડિડક્શન્સ).



















