હેલસિન્કી – ચીનની પર્સનલ કમ્પ્યુટર ઉત્પાદક લેનોવો કદાચ ફિનલેન્ડની સેલફોન ઉત્પાદક નોકિઆને ખરીદી લેશે એવી અટકળોને વેપારીઓ તથા સમીક્ષકોએ આગળ વધારતા બુધવારે સ્થાનિક શેરબજારમાં નોકિઆનો શેર ૧૧ ટકા જેટલો ઉછળ્યો હતો.
હસ્તાંતરણને લગતા અહેવાલો અંગે કોઈ પણ ટીકાટિપ્પણ કરવાનો નોકિઆએ ઈનકાર કર્યો છે જ્યારે લેનોવોના પ્રતિનિધિઓનો તત્કાળ સંપર્ક થઈ શક્યો નહોતો.
નોકિઆએ તેની વ્યાપારી સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાની ૨૦૧૧ના ફેબ્રુઆરીમાં કરેલી જાહેરાતથી અને ત્યારબાદ તેના સંભવિત હસ્તાંતરણની અફવાઓ આ વર્ષમાં વહેતી થઈ છે ત્યારથી તેનો શેર ૭૦ ટકા જેટલો ગગડી ગયો છે.
નોકિઆએ સમગ્ર વિશ્વ સ્તરે બચતના પગલાંના ભાગરૂપે ગઈ ૧૪ જૂને જાહેરાત કરી હતી કે તે ૧૦,૦૦૦ નોકરીઓ બંધ કરશે અને પશ્ચિમ યુરોપસ્થિત તેનો સેલફોન ઉત્પાદન પ્લાન્ટ, સેલો પ્લાન્ટને બંધ કરી દેશે.
વિશ્વમાં એક સમયે મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં નોકિઆનું વર્ચસ્વ હતું, પણ સ્માર્ટફોનના આગમનથી તેના વેચાણને ફટકો પડ્યો. હવે તે એપલ, સેમસંગ અને ગૂગલ સાથે હરીફાઈમાં ઝઝૂમી રહી છે.



















