મુંબઈ – આર્થિક સુધારાની દિશામાં મહત્વના નિર્ણયો લેવાય એવી આશાને પગલે તેમજ મજબૂત વિદેશી સંકેતોથી શુક્રવારે મુંબઈ શેરબજાર અઢી ટકા ઉંચે ગયું. સેન્સેક્સ ૪૪૩ પોઈન્ટ વધીને ૧૮,૪૬૪નો બંધ રહ્યો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક ૧૪૨ પોઈન્ટ વધીને ૫૫૭૮ નો બંધ રહ્યો.
ગઈ ૨૧ ફેબ્રુઆરી બાદ નિફ્ટી અત્યાર સુધી આ સૌથી ઊંચા લેવલ પર બંધ રહ્યો છે.
બજારમાં તેજીમાં સૌથી વધારે યોગદાન રહ્યું રિયલ્ટી, મેટલ અને બેન્કિંગ શેરોનું. આ ત્રણ સેક્ટરનો ઈન્ડેક્સ ૪.૭૫ થી ૪ ટકા જેટલો ઊંચે ગયો છે. કેપિટલ ગૂડ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઓટો શેર સાડા ત્રણથી ત્રણ ટકા જેટલા વધ્યા છે.
ડીઝલના ભાવમાં વધારો કરાયા બાદ સરકાર માટે બજારની આશા વધી ગઈ છે.
ઈક્વિટી બેન્ચમાર્કનો આ બે ટકાનો ઉછાળો છેલ્લા ૧૨ મહિનામાં એક જ દિવસમાં સૌથી ઊંચો રહ્યો છે. સેન્સેક્સ છેલ્લા સાત મહિનામાં સૌથી ઊંચો છે.



















