‘ચિત્રલેખા’ના સ્થાપક વજુભાઈ કોટક મહાન હતા એમાં કોઈ શંકા નથી, પણ મધુરીબહેન જેવું અનોખું વ્યક્તિત્વ એમના જીવનમાં આવ્યું અને એ બન્નેના સહિયારા પુરુષાર્થથી સર્જાયું સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’.
આ ઉદ્દગાર હતા આદરણીય કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ને અવસર હતો ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકની વણકહી વાતોના પુસ્તક, ‘મધુર યાત્રા’ના વિમોચનનો.
શુક્રવાર, ૧૭ જૂનના રોજ મુંબઈમાં અંધેરીસ્થિત ભવન્સ કૉલેજના સંકુલમાં આવેલા એસ.પી. જૈન ઑડિટોરિયમમાં ઢળતી સાંજે યોજાયેલા આ પુસ્તકવિમોચન કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચૅરમૅન મૌલિક કોટકે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકોથી સ્વાગત કર્યું હતું.
એ પછી ડૉ. સુરેશ દલાલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વજુભાઈના આકસ્મિક અવસાન બાદ માથે આવી પડ્યું તે સ્વીકારી લેનારાં મધુરીબહેને વેદનાને વરદાનમાં પલટી નાખ્યું ને ‘ચિત્રલેખા’ને એ એક નવી ઊંચાઈએ લઈ ગયા… મધુરીબહેનની તસવીરકલાનો ખાસ ઉલ્લેખ કરતાં સુરેશભાઈએ કહ્યું કે એ જમાનામાં મહિલા તસવીરકાર હોવું એ બહુ મોટી સિદ્ધિ ગણાતી. એક વાર તો તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પણ મધુરીબહેનને તસવીરો ખેંચતાં જોઈને થંભી ગયા હતા…
સુરેશભાઈએ કહ્યું હતું કે મધુરીબહેનની સિક્સથ સેન્સ ધારદાર છે. હરકિસન મહેતાની પ્રતિભાને પારખી એ એમને ‘ચિત્રલેખા’માં લઈ આવ્યાં એટલું જ નહીં એમની પાસે એક એકથી ચડિયાતી નવલકથાઓ પણ લખાવી. હરકિસનભાઈ તારક મહેતાને લઈ આવ્યા ને ટપૂડો આજે પણ આપણને આનંદ આપે છે. તો તંત્રી ભરત ઘેલાણીએ અનેક નવલકથાકારોની ખોજ કરી આ પરંપરા ચાલુ રાખી છે.
સુરેશભાઈના વક્તવ્ય બાદ પૂજ્ય મોરારિ બાપુએ પુસ્તકનું વિમોચન કર્યું તો સભાખંડ તાળીના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.
પુસ્તકવિમોચન બાદ વારો હતો મધુરીબહેનની વણકહી વાતોનું આલેખન કરનારા, ‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને પ્રસન્નતા વ્યક્ત કરવાનો. એમણે જણાવ્યું કે આવું પુસ્તક કરવું જોઈએ એ વાત મધુરીબહેનને ગળે ઉતારતાં મને છ મહિના લાગી ગયા… આ મારું પહેલું જ પુસ્તક હોઈને ઘરમાં પહેલા સંતાનનો જન્મ થાય એવી લાગણી થાય છે. ટીમવર્કને લીધે જ આ પુસ્તક થઈ શક્યું એની દેવાંશુ દેસાઈએ વિશેષ નોંધ લીધી હતી.
ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં શ્રોતાજનોને મધુરીબહેન કોટકે પ્રતિભાવ આપ્યા. જો કે એમના શબ્દોને વાચા આપી ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત અભિનેત્રી અમી ત્રિવેદીએ.
મધુરીબહેને કહ્યું કે પુસ્તક લખવાની દરખાસ્ત જ્યારે સૌપ્રથમ વાર મારી પાસે આવી ત્યારે મારો પહેલો પ્રતિભાવ હતો: મારા વિશે કંઈ લખાય એમાં મને જરાય રસ નથી, લખવું જ હોય તો ચિત્રલેખા વિશે લખો… (વજુભાઈ) કોટક પાયો જ એવો મજબૂત નાખી ગયેલા કે પેઢીદર-પેઢી ચિત્રલેખા વંચાતું રહેશે. અમારા વાચકો ચિત્રલેખાને પોતાનું ગૌરવ સમજે છે એ અમારે માટે ગર્વની વાત છે.
આ અવસરે મધુરીબહેને પૂજ્ય મોરારિ બાપુનો વિશેષ આભાર માનતાં કહ્યું કે બાપુ અમારા દરેક પ્રસંગમાં પધારે છે એ માટે અમે એમના ઋણી છીએ. તો આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપનારા, ચિત્રલેખાના પરમ સ્નેહી એવા સુરેશભાઈ (દલાલ)નો પણ આભાર.
કાર્યક્રમની પરાકાષ્ઠ આવી પૂજ્ય મોરારિ બાપુના વક્તવ્યથી. પૂજ્ય બાપુએ આ પ્રસંગે ખાસ તો મધુરીબહેનની સ્મૃતિને બિરદાવી હતી. તો સાથે એમની પાસેથી આવી સ્મૃતિઓ એટલે કે વણકહી વાતો કઢાવવા માટે તેમણે દેવાંશુ દેસાઈને અભિનંદન આપ્યાં હતાં. તાજેતરમાં ભારત સરકારે ચિત્રલેખા-વજુ કોટકની ટપાલટિકિટ બહાર પાડી એ માટે એમણે પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું હતું કે અનેક ચડતીપડતી પછી પણ ચિત્રલેખા ક્યારેય પોતાના ધોરણથી નીચું ઊતર્યું નથી એ હકીકતની આપણે ખાસ નોંધ લેવી જોઈએ…
વક્તવ્યને અંતે એમણે આ પુસ્તકના લોકાર્પણ કરવાના રૂડા પ્રસંગે ચિત્રલેખા પરિવારને ધન્યવાદ આપ્યા હતા.
આ પ્રસંગે મધુર યાત્રા પુસ્તકમાંથી વજુભાઈ-મધુરીબહેનના જીવનના વિવિધ તબક્કામાંથી ચૂંટેલા અંશનું વાંચન રંગભૂમિ-ફિલ્મના જાણીતા અભિનેતા મનોજ જોશી તથા નાટ્ય-ટીવીઅભિનેત્રી મીનળ પટેલે કર્યું હતું. મુંબઈ ગુજરાતી સમાજની અનેક નામી હસ્તીની હાજરીવાળા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું: યુવા કવિ મુકેશ જોશીએ.



















