મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી બુધવાર, ૨૪ ઓગસ્ટની સાંજે એક રંગારંગ કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ અવસરે મરાઠી ભાષાના જાણીતા કવિ મંગેશ પાડગાંવકર તથા ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ ડૉ. રમેશ શુક્લને નર્મદ પુરસ્કારથી સમ્માનવામાં આવ્યા હતા. વિશેષમાં સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુરેન ઠાકર-’મેહુલ’ને, કલા ક્ષેત્રે અરવિંદ ત્રિવેદી-’લંકેશ’ને તથા પત્રકારત્ત્વ ક્ષેત્રે ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને ‘જીવન ગૌરવ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ તમામ વિજેતાનું ૫૧ હજાર રૂપિયાનો ચેક, શ્રીફળ અને શાલ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ૯૮ વર્ષથી કાર્યરત પુણેની પૂના ગુજરાતી બંધુ સમાજ સંસ્થાને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
આ અવસરે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી નવલકથા, કવિતા, નાટ્ય અને ટૂંકી વાર્તા ક્ષેત્રે વિજેતા જાહેર થયેલાં પુસ્તકોના લેખકોને પણ પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર સમીર પાલેજાને એમની નવલકથા ‘ગ્રહણ-મોક્ષ’ બદલ ‘ચુનીલાલ મડિયા નવલકથા પુરસ્કાર (દ્વિતીય)’ આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સંજય દેવતળે તથા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અરુણ ગુજરાતીએ પુરસ્કાર વિજેતાઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે અકાદમીના કાર્યાધ્યક્ષ હેમરાજ શાહે સ્વાગત પ્રવચનમાં અકાદમીની કામગીરીની રૂપરેખા આપી હતી. મંગેશ પાડગાંવકરે અનોખા અંદાજમાં સ્વરચિત કવિતાનું પઠન કરીને પ્રેક્ષકોની વાહ… વાહ મેળવી તો ડૉ. રમેશ શુક્લએ નર્મદ તથા ગુજરાતી ભાષા વિશે જાણી-અજાણી વાત કરીને ભાષાપ્રેમીઓને તરબોળ કરી દીધા અને ત્રણેય જીવન ગૌરવ પુરસ્કાર વિજેતા વતી સુરેનભાઈ ઠાકરે આ અભિવાદન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સ-રસ સંચાલન યુવા કવિ મુકેશ જોશીએ કર્યું હતું.



















