મુંબઈ – આપના માનીતા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ દ્વારા આ વર્ષે સતત ૬ઠ્ઠા વર્ષે દ્વિઅંકી નાટકો માટેની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નું આયોજન કરાયું. ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી દ્વારા અને એકમે ગ્રુપના સહયોગથી આયોજિત ૬ઠ્ઠી ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૧૨’માં શ્રેષ્ઠ નાટકનું ઈનામ મલ્હાર-સુરતના નાટક ‘મેકબેથ’ને એનાયત કરાયું છે.
દ્વિતીય ઈનામ જીત્યું છે યુનિકોર્ન એન્ટરટેઈનમેન્ટ-મુંબઈના ‘કમ ઓન આદિત્ય’ નાટકે તો ત્રીજું ઈનામ (વિભાજીત) જીતનાર નાટકો છે ‘અમે બરફના પંખી’ (અસ્તિત્વ-સુરત ગ્રુપ) તથા ‘રણમાં ખીલ્યું પારિજાત’ (રંગકર્મી-સુરત).
આમ, પ્રથમ ચાર વિજેતા નાટકોમાંના ત્રણ સુરતને ફાળે આવ્યાં છે.
શ્રેષ્ઠ દિગ્દર્શનનાં ત્રણ ઈનામોમાં પહેલું ઈનામ મળ્યું છે ધર્મેન્દ્ર ગોહિલને ‘કમ ઓન આદિત્ય’ નાટક માટે, બીજું ઈનામ સોનલ વૈદ્ય-કુલકર્ણીને ‘મેકબેથ’ માટે અને ત્રીજું ઈનામ વિતરાગ શાહને ‘અમે બરફના પંખી’ નાટક માટે મળ્યું છે.
શ્રેષ્ઠ અભિનેતાનું ઈનામ પણ ‘મેકબેથ’ને ફાળે ગયું છે. શિર્ષક ભૂમિકા ભજવનાર મિહિર પાઠકે આ ઈનામ જીત્યું છે તો આ જ વર્ગમાં દ્વિતીય ઈનામ ધ્રુવ બારોટે (કમ ઓન આદિત્ય), તૃતિય ઈનામ ગિરીશ સોલંકીએ (સાડા ત્રણ ડાહ્યા ઘોડે બેસી નાહ્યા – સોનુ ઉપાધ્યાય પ્રસ્તુત, સુરત) જીત્યું છે.
શ્રેષ્ઠ અભિનેત્રીનું પ્રથમ ઈનામ જીત્યું છે સપના શેઠ (મેકબેથ), દ્વિતીય (વિભાજીત) – મોના ગોહિલ (સાથી) તથા સ્વાતિ દાસ (કમ ઓન આદિત્ય), તૃતિય (વિભાજીત) – પલક મહેતા (મારા સપનાનો રાજકુમાર) તથા દેવાંગી જોશી (જીવન સૂર્ય).
શ્રેષ્ઠ યુવા પ્રતિભા માટેનું ‘જય કોટક પારિતોષિક’ આર્જવી વ્યાસને ‘રણમાં ખીલ્યું પારિજાત’માં તેની ભૂમિકા માટે એનાયત કરવામાં આવ્યું છે.
શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું પ્રથમ ઈનામ જીતી ગયા કુણાલ શેઠ (કમ ઓન આદિત્ય) તો દ્વિતીય ઈનામ જીત્યું કેયૂર ઉપાધ્યાયે (જીવન સૂર્ય). શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું પહેલું ઈનામ જીત્યું મનીષા શુક્લા (અમે બરફનાં પંખી)એ અને દ્વિતીય ઈનામ જીત્યું યામિની વ્યાસે (રણમાં ખીલ્યું પારિજાત).
અન્ય ઈનામો છેઃ યુવા આશાસ્પદ નાટ્ય લેખક પ્રવીણ ભંડારે (કમ ઓન આદિત્ય), શ્રેષ્ઠ કલા નિર્દેશન કેતન રાઠોડ (સજનવા), શ્રેષ્ઠ પ્રકાશ રચના હુસૈની દવાવાલા (કમ ઓન આદિત્ય), શ્રેષ્ઠ સંગીત રચના કમલ જોશી, આકાશ શાહ અને રાજુ બારોટ (જીવન સૂર્ય), શ્રેષ્ઠ વેશભૂષા ઉર્જિતા કિનારીવાલા તથા મનીષ ઉપાધ્યાય (રણમાં ખીલ્યું પારિજાત), શ્રેષ્ઠ રંગભૂષા મનીષ ઉપાધ્યાય (રણમાં ખીલ્યું પારિજાત).
સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના નિર્ણાયકો હતા પ્રવીણ સોલંકી, દિનકર જાની અને શરદ વ્યાસ.
જાણીતા કલાનિર્દેશક છેલ વાયડા, એમના ફિલ્મ નિર્માતા પુત્ર સંજય છેલ, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, હોમી વાડિયા, અમી ત્રિવેદી સહિત ઘણાં નાટ્યકર્મીઓ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
સમારંભનું સંચાલન કર્યું હતું જાણીતા ઉદ્દબોધક સોહાગ દીવાને.
પારિતોષિક વિતરણ સમારોહમાં અમદાવાદની નૃત્યસંગિની સંસ્થાનાં નૃત્યકારોએ ગુજરાતી લોકસંગીત પર આધારિત નૃત્ય રજૂ કર્યાં હતાં.



















