રેકોર્ડ બ્રેક રિપોર્ટિંગ માટે ‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને મળ્યું લિમ્કા બુકમાં સ્થાન

મુંબઈ – ગુજરાતી પત્રકાર જગત માટે આનંદના સમાચાર છે કે ‘ચિત્રલેખા’ના સિનિયર પત્રકાર દેવાંશુ દેસાઈ રેકોર્ડબ્રેક રિપોર્ટિંગ માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૧’માં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય પત્રકાર બન્યા છે.

દેસાઈએ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસનું સતત ૧૫ વર્ષ સુધી વિક્રમજનક રિપોર્ટિંગ કર્યું હતું.

એ યોગાનુયોગ છે કે, ૧૨ માર્ચ એ દેવાંશુ દેસાઈનો જન્મદિવસ છે અને ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં જુદા જુદા ૧૨ ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. દેસાઈએ ‘૯૩ની ૧૨ માર્ચથી લઈને ૩૧ જુલાઈ, ૨૦૦૭ના દિવસે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં જજમેન્ટ આવ્યું ત્યાં સુધી, સતત ૧૫ વર્ષ સુધી એક જ સામયિક માટે એક જ પત્રકારે રિપોર્ટિંગ કર્યું હોય એ ભારતીય પત્રકારત્વની દુનિયામાં અનોખો રેકોર્ડ થયો છે.

દેવાંશુ દેસાઈની આ સિદ્ધિની લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૧માં રાષ્ટ્રીય માન્યતા આપીને વિશેષ નોંધ લેવામાં આવી છે.

દેસાઈએ તેમની ૨૦ વર્ષની કારકિર્દીમાં ક્રાઈમ, પોલિટિક્સ, સામાજિક સહિત અનેકવિધ વિષયો-ઘટના પર બે હજારથી વધુ લેખો લખવા ઉપરાંત વિવિધ ક્ષેત્રની નામાંકિત અને નામચીન વ્યક્તિઓની વિશેષ મુલાકાત દ્વારા પત્રકારો તથા વાચકોની પ્રશંસા તેમજ વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Chitralekha News