અવસર એવો રૂડો હતો અને સાંજ એવી મજાની હતી કે અમને આ ફિલ્મી રચના યાદ આવી ગઈ:
યે શામ મસતાની… મદહોશ કિયે જાય…!
અવસર હતો: એયુ ફિન્જા પ્રેઝન્ટ્સ વૉચ વર્લ્ડ એવૉર્ડ-૨૦૧૧.
વાચકો જાણે છે કે ‘ચિત્રલેખા ગ્રુપ’નાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં ખાસ સમયસૃષ્ટિનાં સામયિક ‘વૉચ વર્લ્ડે’ ગયા વર્ષથી જગતભરના ટાઈમકીપર્સે વિવિધ ક્ષેત્રમાં આપેલાં પ્રદાનને સમ્માનવા વૉચ એવૉર્ડ્સ આપવાની પરંપરા શરૂ કરી છે.
ગયા વર્ષે એટલે કે ૨૦૧૦માં નવી દિલ્હીની સૂરજકુંડ ક્લેરિજ્સમાં શહેરનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત તથા અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ કૅટેગરીના વૉચ એવૉર્ડ્સ એનાયત કરવાનો સમારંભ યોજાયો હતો, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. એવો જ ભવ્ય સમારંભ આ વર્ષે યોજાયો પાટનગરની પાદરે ગ્રેટર નોઈડામાં આવેલા જેપી ગ્રીન્સ ગૉલ્ફ ઍન્ડ સ્પા રિસોર્ટ્સમાં. આ વર્ષના સમારંભમાં વિશેષ ઉપસ્થિતિ હતી: ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની.
૨૪ સપ્ટેમ્બર, શનિવારની ઢળતી સાંજે યોજાયેલા એવૉર્ડ સમારંભની શરૂઆત થઈ કૉક્ટેલ સેશનથી, જેમાં દેશ-દુનિયામાંથી પધારેલા મહેમાનોએ મનગમતાં પીણાંની ચૂસકી ભરતાં ભરતાં પ્રિ-એવૉર્ડ એરિયામાં પ્રદર્શિત થયેલી નોમિનેટેડ ઘડિયાળોને નિહાળી. આ પ્રિ-એવૉર્ડ એરિયામાં છત્તીસગઢ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે પ્રદર્શિત કરેલી હાથબનાવટની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
એ પછી શરૂ થયું એવૉર્ડ ફંક્શન.
મહેમાનોને આવકારતાં ‘ચિત્રલેખા ગ્રુપ’ના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યે કહ્યું: ‘દુનિયાની ખ્યાતનામ વૉચ બ્રાન્ડ્સે પોતાની લેટેસ્ટ ઘડિયાળનાં નોમિનેશન મોકલ્યાં એનાથી ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ’ નિર્વિવાદ ઈન્ટરનૅશનલ એવૉર્ડ્સ બની ગયા છે… ભારતના ટોચના વૉચ મૅગેઝિન દ્વારા યોજાયેલા આ એવૉર્ડ્સની સફળતાનું શ્રેય આમાં ભાગ લેનારી વૉચ બ્રાન્ડ્સ તેમ જ ફૅશન-સ્પોર્ટ્સ-ડિઝાઈન-માર્કેટિંગ જેવાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બનેલી જ્યુરીને મળે છે.
એ પછી સ્વિત્ઝરલૅન્ડના માસ્ટર વૉચમેકર એન્તોઈન સિમોનિન, જાણીતાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા, પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અયાઝ મેમણ, નામાંકિત જ્વેલરી-ડિઝાઈનર વરુણા ડી. જાની જેવાં એક્સ્પર્ટ્સની બનેલી જ્યુરીએ ચૂંટેલા વિવિધ કૅટેગરીના એવૉર્ડ એનાયત થતા ગયા.
કેટલાક માર્કેટિંગ કૅટેગરીના એવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા, જેની પસંદગી કરી શારદા અગરવાલ તથા શ્રીપદ નાડકર્ણી જેવાં માર્કેટિંગ પ્રોફેશનલ્સની બનેલી જ્યુરીએ.
આ ઝાકઝમાળભર્યા એવૉર્ડ સેરેમનીમાં એક તરફ વૉચ ઈન્ડસ્ટ્રીના માંધાતા હતા, ભારતના કૉર્પોરેટ હૅવીવેઈટ્સ હતા, બ્યૂરોક્રેટ તથા રાજકારણીઓ હતા તો સાથે સાથે નવી દિલ્હીની પેજ-૩ સેલિબ્રિટીઝ પણ હતી, જેમ કે સ્વિત્ઝરલૅન્ડના જગવિખ્યાત પ્રદેશ લ શોં-દ-ફોંમાં બનતી બેનમૂન ઘડિયાળ ‘ગ્રુબેલ ફોર્સે’ ના કો-ફાઉન્ડર સ્ટિફન ફોર્સે…
સ્પેશિયલ કન્ટ્રિબ્યુશન ટુ હૉટ હોર્લોજરી (સાદા શબ્દમાં: સમયસૃષ્ટિને આપેલાં વિશેષ યોગદાન) કૅટેગરીમાં ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકના હસ્તે એવૉર્ડ મેળવનારા સ્ટિફન ફોર્સેએ પોતાનો ઉમળકો વ્યક્ત કરતાં કહ્યું કે ભારતના પ્રતિષ્ઠિત વૉચ વર્લ્ડ મૅગેઝિન એવૉર્ડ દ્વારા અમારી બ્રાન્ડનું સમ્માન સદા સ્મૃતિમાં રહી જાય એવો સમય! થાય એનો અમને ઉત્સાહ-આનંદ છે…
યોગાનુયોગ આ જ કંપનીની ગ્રુબેલ ફોર્સે ઈન્વેન્શન પીસ ૨ ઘડિયાળને લિમિટેડ એડિશન વૉચ ઑફ ધ યરનો એવૉર્ડ પણ મળ્યો.
એ જ રીતે ૧૮૬૫થી ઘડિયાળનું ઉત્પાદન કરતી સ્વિત્ઝરલૅન્ડની ઝેનિથે વૉચ ઑફ ધ યર તથા કૉમ્પ્લિકેટેડ વૉચ ઑફ ધ યર એમ બબ્બે એવૉર્ડ મેળવી પોતાની સાંજને યાદગાર બનાવી દીધી.
આમ તો ત્યાં ઉપસ્થિત દરેક મહેમાન માટે આ સમય સદાય સ્મૃતિમાં રહી જાય એવો યાદગાર હતો… અને કોણ કોણ હતું મહેમાનોમાં?
વૉચ ઈન્ડસ્ટ્રીમાંથી બોમ ઍન્ડ મર્સિયે ના રિજનલ બ્રાન્ડ મૅનેજર રોમેઈન ડેઝોં, કાર્લ એફ બુખરરના રિજનલ માર્કેટ ડિરેક્ટર મુખ્તાર મોહમ્મદ હતા તો કૉર્પોરેટજગતમાંથી સેમસંગ ઈન્ડિયાના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર રવીન્દ્ર ઝુત્શી, આઈટીસી લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, કૉર્પોરેટ અફેર્સ અનિલ રાજપૂત તથા સંજીવ દાલમિયા હતા. એવૉર્ડના મેઈન સ્પૉન્સર એયુ ફિન્જાના અજય પાહુજા ખાસ દુબઈથી પધાર્યા તો ઍસોસિયેટ સ્પૉન્સર જેમોલૉજિકલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકાના વિશાલ મંડોટ મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા.
નવી દિલ્હીમાં જશન હોય એટલે એમાં બ્યૂરોક્રેટ્સ પણ હોય. ઈન્ક્રિડિબલ ઈન્ડિયા સૂત્ર દ્વારા વર્લ્ડ ટુરિઝમના નકશા પર ભારતને મૂકી આપનારા આઈએએસ અફસર અને ભૂતપૂર્વ ટુરિઝમ જોઈન્ટ સેક્રેટરી અમિતાભ કાંત મોડે સુધી પાર્ટીમાં મહાલ્યા.
અમિતાભ કાંત હાલ દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રી કોરિડોર ડીએમઆઈસી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તથા મૅનેજિંગ ડિરેક્ટર છે. કાંતસાહેબે ભારતનાં પ્રવાસધામનો દુનિયાભરમાં પ્રચાર કરવાના અનુભવની કથા પોતાના પુસ્તક બ્રાન્ડિંગ ઈન્ડિયા: ઍન ઈન્ક્રેડિબલ જર્ની દ્વારા આલેખી છે. થોડા સમય પહેલાં ટાટા જૂથના ચૅરમૅન રતન ટાટાએ આ પુસ્તકનું મુંબઈમાં વિમોચન કર્યું હતું.
આ ઉપરાંત, કોંગ્રેસનાં ભૂતપૂર્વ સંસદસભ્ય ઉમા ગજપતિ રાજુ, રમોલા બચ્ચન જેવી અનેક પેજ-૩ સેલિબ્રિટીઝે એવૉર્ડ ફંક્શન તથા પાર્ટીમાં હાજરી આપી.
એક પછી એક અપાતા જતા એવૉર્ડ્સની ઘટમાળ આપમેળે ચાલ્યા કરતી ઘડિયાળ જેવી યંત્રવત્ બની ન રહે એ માટે જાઝ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજે દિવસે એટલે કે રવિવારે આમંત્રિતોએ જેપી ગ્રીન્સના હરિયાળા મેદાન પર ગૉલ્ફ તથા સ્વાદિષ્ટ બ્રન્ચની મજા લીધી. સિટિઝન, સીકો જેવી બ્રાન્ડ્સના જપાનીસ માંધાતાઓએ તો મોડે સુધી ગૉલ્ફનો પણ આનંદ માણ્યો.
એ હતો મારો શ્રેષ્ઠ સમય…
- વીરેન્દ્ર સેહવાગ
ઈન્ડિયન ક્રિકેટટીમના જોમવંતા ક્રિકેટર વીરેન્દ્ર ક્રિશન સેહવાગે એવૉર્ડ ફંક્શનમાં જતાં પહેલાં ટાઈમ સાથેના પોતાના સંબંધ વિશે ‘ચિત્રલેખા’ સાથે કરેલી વાતચીતના અંશ…
ચિત્રલેખા: વીરુ, તને ઘડિયાળનો શોખ ખરો?
વીરેન્દ્ર સેહવાગ: ખૂબ જ. અવનવી ઘડિયાળોનો મને બેહદ શોખ છે એટલે અહીં આવીને મારું સપનું સાકાર થયું હોય એવું લાગે છે. વૉચ ઈન્ડસ્ટ્રીના એવૉર્ડ્સથી ચિત્રલેખા ગ્રુપે એક અચ્છી પ્રવૃત્તિ શરૂ કરી છે.
ઓકે, તારા જીવનની પહેલી ઘડિયાળ યાદ છે? કઈ હતી?
* સાચું કહું તો બચપનમાં પિતાને કાંડે ઝૂલતી ગોલ્ડન એચએમટી ઘડિયાળે મને મોહિત કરેલો, પણ મારી પોતાની પહેલી ઘડિયાળ કઈ હતી એ યાદ નથી. હા, એટલું યાદ છે કે પિતાજી સાથે એક ઈન્ડસ્ટ્રિયલ ફૅર (મેળા)માં ગયેલો ત્યાંથી એમની પાસે જીદ કરીને એક ઘડિયાળ ખરીદેલી.
તો બીજી ઘડિયાળ વિશે તો કહીશને?
* હા. હું અન્ડર એઈટીન-અન્ડર નાઈન્ટીન મૅચ રમતો થયો અને પૈસા ભેગા થયા ત્યારે એમાંથી પહેલી ઘડિયાળ ખરીદી: રોલેક્સ. એ વખતે ભારતમાં બીજી કોઈ વૉચબ્રાન્ડ વિશે ખાસ કંઈ જાણવા મળતું નહોતું અને રોલેક્સની બોલબાલા હતી.
મેદાન પર દાવ લેતો હોય ત્યારે તું સમયનું ધ્યાન કેવી રીતે રાખે છે?
* વેલ, હું દાવ લેતો હોઉં ત્યારે સમયનું ધ્યાન તો ફીલ્ડરોએ રાખવાનું હોય! એ લોકોએ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવાની હોય એટલે સમયની ચિંતા એમને હોય. ક્યારેક અમારે ઓવર પૂરી કરવાની હોય ત્યારે ધોની ક્યારેક બૉલ આપતાં કહે: વીરુ, ચલ ડાલ દે થોડી ઓવર!
કોઈ પણ ચીજનો પ્રચાર કરવાનું નક્કી કરતી વખતે તું શેનું ધ્યાન રાખે છે?
* એ જ કે એ પ્રોડક્ટ અથવા સર્વિસ મારી ઈમેજ સાથે જવી જોઈએ અને ખાસ તો એવી ચીજવસ્તુનો પ્રચાર ન કરું, જેનાથી મારા ફૅન્સ નારાજ થાય.
ફુરસદના સમયમાં શું કરે છે?
* જાતજાતની ટુર્નામેન્ટને લીધે સતત પ્રવાસ થતા રહે છે એટલે પરિવાર સાથે નિરાંતે બેસવાનો ટાઈમ ભાગ્યે જ મળતો હોય એટલે જ્યારે પણ નવરાશ હોય ત્યારે ફૅમિલી સાથે સમય વિતાવવાનું પસંદ કરું છું…
જીવનનો બેસ્ટ સમય અથવા પળ?
* ઘણી પળ છે, પણ વેલ, ટેસ્ટક્રિકેટમાં ૨૭૮ બૉલમાં ૩૦૦ (દક્ષિણ આફ્રિકા સામે) તથા ૨૦૭ બૉલમાં ૨૫૦ ફટકાર્યા એ (શ્રીલંકા સામે), વન-ડે ઈન્ટરનૅશનલમાં ૬૦ બૉલમાં સેન્ચુરી ફટકારી (ન્યુઝીલૅન્ડ સામે)… ટ્રિપલ સેન્ચુરી પણ ફટકારી અને પાંચ વિકેટ પણ લીધી…
- અને ખરાબ સમય?
* વેલ, કદાચ અત્યારનો… આખી ટીમ જીજાન લગાડીને રમે ને એમાં મારું કોઈ યોગદાન જ ન હોય એનો વસવસો તો થયો, પણ શું થાય? તમે ઈન્જર્ડ-ઈજાગ્રસ્ત હો તો શું કરી શકો? જો કે ચૅમ્પિયન્સ લીગમાં તો દિલ્હીની ટીમ રમતી નથી એટલે કોઈ ચિંતા નથી. જો કે હવેથી વધુ ધ્યાન રાખીશ-વધુ ફિટ રહીશ.
- કેતન મિસ્ત્રી (નવી દિલ્હી)



















