સદા અગ્રસર ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની સિદ્ધિમાં એક ઔર છોગું ઉમેરાયું છે…
સાંસ્કૃતિક અભિવાદન ફાઉન્ડેશન નામની મુંબઈસ્થિત સંસ્થા તરફથી વર્ષ ૨૦૧૧ માટેનો પત્રકાર ક્ષેત્રે આગવા પ્રદાન માટેનો એવૉર્ડ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને એનાયત કરવામાં આવ્યો છે.
૨૧ એપ્રિલ, ૨૦૧૨ના રોજ મુંબઈમાં ભારતીય વિદ્યાભવન (ચોપાટી) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીપચંદભાઈ ગાર્ડી, મુંબઈના માજી શેરિફ ડો. મોહનભાઈ પટેલ, ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ જયવંતીબહેન મહેતા તથા જન્મભૂમિ જૂથના તંત્રી કુંદન વ્યાસ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત આ સંસ્થા દ્વારા છેલ્લાં ચારેક વર્ષથી સાહિત્ય, સંગીત, નાટ્ય, પત્રકારત્વ, સમાજસેવા તથા અન્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારી સંસ્થા કે વ્યક્તિને આ એવૉર્ડ આપવામાં આવે છે.
પારિતોષિક વિતરણ સમારંભમાં વર્ષ ૨૦૧૧ના એવૉર્ડ માટે ભરત ઘેલાણી ઉપરાંત જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકી (નાટ્ય ક્ષેત્રે), ડૉ. કુલિન કોઠારી અને બાબુભાઈ છોટાલાલ શાહ (સેવા), અંકિત ત્રિવેદી (સાહિત્ય), ભાસ્કર બારોટ (લોકસાહિત્ય), હિના પરેશ મહેતા અને ડૉ. ગોપા ચક્રવર્તી (સંગીત)ની એવૉર્ડ વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશિષ્ટ વ્યક્તિનો એવૉર્ડ રતિભાઈ ચંદેરિયાને એનાયત કરવામાં આવ્યો છે.
આ એવૉર્ડ ‚રૂપે રૂ‚પિયા પચ્ચીસ હજાર રોકડા અને એક સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવે છે.
આ પૂર્વે સાહિત્ય ક્ષેત્રે ડૉ. સુરેશ દલાલ અને દિનકર જોશી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને પાર્થિવ ગોહિલ, સુરેન ઠાકર ‘મેહુલ’ અને શાહબુદ્દીન રાઠોડ તથા સમાજસેવા માટે ભાવનગરના અનંતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવોને આ પારિતોષિક મળી ચૂક્યા છે.
આ અવસરે તન-મન-ધનથી વર્ષોથી સમાજની અનેકવિધ સેવા બજાવતા ૯૮ વર્ષી દીપચંદભાઈ ગાર્ડીનું પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.



















