‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતાને વિજ્ઞાન પત્રકારત્વનો એવોર્ડ

દેશભરમાં વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું અને આમ આદમીને એ દિશામાં રસ લેતા કરવાનું કામ કરતી મુંબઈસ્થિત ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા આપવામાં આવતો સાયન્સ જર્નલિઝમ માટેનો એવૉર્ડ આ વર્ષે ‘ચિત્રલેખા’ના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ હીરેન મહેતાને એનાયત થવાનો છે.

ગુજરાતી ભાષામાં વિજ્ઞાનલેખન માટે આદરપૂર્વક જેમનું નામ લેવામાં આવે છે એવા જન્મભૂમિ અખબારના ભૂતપૂર્વ તંત્રી સદ્દગત મનુભાઈ મહેતાની સ્મૃતિમાં આ પ્રતિષ્ઠિત એવૉર્ડની સ્થાપના થઈ છે.

આ એવૉર્ડ માટે હીરેન મહેતાની પસંદગી એમણે લખેલા અવકાશવિજ્ઞાનને લગતા અનેક લેખ તથા છેલ્લાં પાંચ વર્ષથી ‘ચિત્રલેખા’માં અત્યંત સાદી-સરળ ભાષામાં વિવિધ આધિ-વ્યાધિની સમજણ આપતી એમની કૉલમ હેલ્થ-હેલ્પલાઈન મારફત તબીબીવિજ્ઞાનના પ્રસારમાં આપેલા પ્રદાનના આધારે થઈ છે. ભારતના પહેલા મૂન મિશન ચંદ્રયાનનો તલસ્પર્શી અહેવાલ લેવા બેંગલુરુ ખાતેના ઈસરો વડા મથકની મુલાકાત લેનારા એ એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા.

ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી (આઈપીએસ)એ આ ઉપરાંત ખગોળશાસ્ત્રના પ્રખર અભ્યાસુ એવા ઉદ્યોગપતિ દીપક ભીમાણીને બળવંતભાઈ પારેખ મેડલ આપવાનું જાહેર કર્યું છે. અવકાશવિજ્ઞાનમાં લોકોની રસ-રુચિ વધે એ માટે દીપકભાઈએ આપબળે અંકલેશ્વરમાં વેધશાળા ઊભી કરી છે.

સોસાયટી સાથે સંકળાયેલા એક યુવાન હેમલ શાહને પણ વિજ્ઞાનપ્રસારમાં યોગદાન બદલ સોહનલાલ શાહ મેડલ એનાયત થશે.

આ તમામ એવૉર્ડ આવતા ગુરુવાર, ૨૬ એપ્રિલે સાંજે ૪.૩૦ વાગ્યે મુંબઈમાં અંધેરી ભવન્સ કૉલેજ કૅમ્પસ ખાતેના એસ.પી. જૈન ઑડિટોરિયમમાં યોજાનારા કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Chitralekha News