શાનદાર… જાનદાર… દમદાર! વૉચ વર્લ્ડ એવોર્ડ્સ-૨૦૧૨

‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ’નો ત્રીજો મણકો નવી દિલ્હીમાં દબદબાભેર યોજાઈ રહ્યો છે ત્યારે જાણી લો, આ નોખા-અનોખા એવૉર્ડ્સની વાત.

ટિક્ ટિક્ ટિક્…

અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે. સમયના સાચા પહેરેદારોને, સાચા સમયપ્રહરીઓને સમ્માનવાનો સમય આવી ગયો છે.

વાત છે ‘ચિત્રલેખા’ જૂથ દ્વારા યોજાતા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની… ‘ચિત્રલેખા’નો આ અંક આપ વાંચતા હશો એ મંગળ દિવસે એટલે શુક્રવાર, ૧૨ ઑક્ટોબરે, ‘ધ વૉચ વર્લ્ડ

એવૉર્ડ્સ’નો દબદબાભેર સમારોહ નવી દિલ્હીની પાદરે આવેલા ગુડગાંવમાં યોજાવાની તૈયારી ચાલતી હશે. ઉલ્લેખનીય છે કે લગભગ નવ વર્ષથી ‘ચિત્રલેખા’ દેશ-વિદેશની ઘડિયાળ વિશેનું ઉત્તમ સામયિક ‘વૉચ વર્લ્ડ’ અંગ્રેજી-ગુજરાતી એમ બે ભાષામાં પ્રકાશિત કરે છે.

છેલ્લાં બે વર્ષથી ‘ચિત્રલેખા’ જૂથ વિવિધ શ્રેણી હેઠળ સમયસૃષ્ટિનાં શ્રેષ્ઠ સમ્માન એનાયત કરે છે. હવે ત્રીજા વર્ષમાં આ સમારોહ બન્યો છે વધુ મોટો, વધુ ગજાદાર.

આ વર્ષે દેશ-વિદેશની અનેક કંપનીએ એવૉર્ડ્સમાં ઉમળકાભેર ભાગ લીધો છે ને વિવિધ કૅટેગરીમાં પોતાની એન્ટ્રી મોકલી છે, જેમ કે કાર્તિયે, હૅરી વિન્સ્ટન, ઝેનિથ, હુબ્લો, બુલ્ગારી, ટૅગ હ્યુઅર, ડિઓર, ગ્રૂબેલ ઍન્ડ ફોર્સે, બ્રિટલિંગ, કોરમ, પારમિજિયાની, રોમેન જેરોમ, સેકો, સિટિઝન ને ઘરઆંગણાની ટાઈટન, વગેરે, વગેરે.

આ રસપ્રદ વૉચ એવૉર્ડ્સમાં સૌથી કૉમ્પ્લિકેટેડ ઘડિયાળથી લઈને બેસ્ટ જ્વેલરી, બેસ્ટ સ્પોર્ટ્સ, બેસ્ટ કૉન્સેપ્ટ, વગેરે વિવિધ કૅટેગરીમાં એવૉર્ડ્સ આપવામાં આવે છે. સર્વોચ્ચ એવૉર્ડ હોય છે: વૉચ ઑફ ધ યર!

ગઈ ૧૨ ઓગસ્ટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બનેલી જ્યુરીએ મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં આખો દિવસ ગાળી, લાંબી ચર્ચા-વિચારણા બાદ વિવિધ કૅટેગરીની વિજેતા ઘડિયાળ પસંદ કરી. જ્યુરીની આ બેઠકનું સંચાલન કર્યું ‘ચિત્રલેખા’ જૂથના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યએ.

આ વર્ષના નિર્ણાયકો છે:

પીઢ અનુભવી વોચમેકર એન્તોઈન સિમોનિન

સ્વિત્ઝરલૅન્ડના પીઢ-અનુભવી વૉચમેકર એન્તોઈન સિમોનિન. ૧૯૭૬થી વૉચમેકર્સ ઑફ સ્વિત્ઝરલૅન્ડ ટ્રેનિંગ ઍન્ડ એજ્યુકેશનલ પ્રોગ્રામના ડિરેક્ટર રહેલા એન્તોઈન સિમોનિન ઍન્ટિક વૉચ તથા ઘડિયાળસર્જનના કડીબદ્ધ ઈતિહાસની જાણકારીમાં એમનો જોટો જડે એમ નથી. જો કે એ જ્યુરીની બેઠકમાં અનિવાર્ય સંજોગવશાત્ હાજર રહી શક્યા નહોતા, પણ એમણે વિડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરી.

બીજાં હતાં ખ્યાતનામ ફૅશનડિઝાઈનર પ્રિયદર્શિની રાવ. ૧૯૯૬થી દેશ-દુનિયાના ક્લાયન્ટ્સ માટે પોશાક ડિઝાઈન કરતાં પ્રિયદર્શિની રાવની ખાસિયત છે: સ્ટાઈલ સાથે કમ્ફર્ટ પણ મળે એવાં વસ્ત્ર ડિઝાઈન કરવાં.

એમનું કહેવું છે કે જે રીતે મને આ આખી પ્રક્રિયા તથા દરેક ઘડિયાળ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી એ અનુભવ અકલ્પનીય હતો.

જ્યુરી મેમ્બર્સ વચ્ચેની લાંબી ચર્ચા-વિચારણા બાદ પસંદગી પામ્યા વિવિધ કેટેગરીના એવોર્ડ્સ

એ પછી થોડા સમય પહેલાં જ જેમને પ્રતિષ્ઠિત કચ્છશક્તિ એવૉર્ડથી નવાજવામાં આવ્યાં એ લાઈફ કોચ તથા ગ્રૂમિંગ તેમ જ અનેક અત્યંત ઊંચી કિંમતની લક્ઝરી બ્રાન્ડ્સનાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા. સતત બાવીસ વર્ષથી કૉર્પોરેટ્સ, ઈન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, મોડેલ્સ, ઍક્ટર્સ, ઍરલાઈન સ્ટાફ, સૌંદર્યસમ્રાજ્ઞી તથા પૉપસ્ટાર્સને ગ્રૂમિંગ, એટિકેટના પાઠ ભણાવતાં છાયા મોમાયાને આ વર્ષે કેલ્વિનેટર ગ્રેટ વીમેન એવૉર્ડ્સથી પણ સમ્માનવામાં આવ્યાં છે. જ્યુરી વચ્ચે કેવી ચર્ચા-વિચારણા, દલીલ થયાં એ

વિશે એ કહે છે: ‘ચિત્રલેખા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સનું આ મારું બીજું વર્ષ છે. મને ખાસ તો એ વાત ગમી કે કઈ ઘડિયાળ શા માટે પસંદ કરવામાં આવી એ વિશે તંદુરસ્ત ચર્ચા થઈ. ઉદાહરણ તરીકે, બેસ્ટ ઈનોવેટિવ વૉચ વિશે અમારે જોરદાર દલીલ થઈ. મને ખાસ તો એચવાયટીની એચવન ઘડિયાળ બહુ ગમી. આ અસામાન્ય ઘડિયાળ બે પ્રવાહીની મદદથી સમય બતાવે છે: એક, ગ્રીન ને બીજું ક્લિયર. સામાન્ય રીતે ઘડિયાળના ઉત્પાદકો પાણી સામે રક્ષણ આપતી ઘડિયાળનો દાવો કરતા હોય છે, જ્યારે

આ ઘડિયાળની અંદર પાણી છે ને એ સમય બતાવે છે એ વાત જ કેટલી રોમાંચક છે…’

ત્રીજા જ્યુરી મેમ્બર છે: ભારતીય ક્રિકેટટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કેટલાક ટોચના કૉમેન્ટેટરમાંના એક રવિ શાસ્ત્રી. ૧૮ વર્ષની વયે ક્રિકેટકરિયર શરૂ‚ કરનારા રવિ શાસ્ત્રી ક્રિકેટ સિવાય જાણીતા છે એમની ફૅશન-સ્ટાઈલની સૂઝ માટે. બૅટિંગ-બોલિંગ-ફીલ્ડિંગનું મૂલ્યાંકન કરતા રવિ માટે ઘડિયાળનાં મૂલ્યાંકન એ સાવ નવી પિચ હતી.

'ચિત્રલેખા'ના મિત્રજિત ભટ્ટાચાર્ય-પ્રિદર્શિની રાવ-છાયા મોમાયા, રવિ શાસ્ત્રી: રોમાંચક અનુભવ

એ ચિત્રલેખાને કહે છે: ‘આ આખો અનુભવ મારે માટે બહુ જ એક્સાઈટિંગ રહ્યો… ઘડિયાળ કાંડે બાંધીને નીકળીએ એ એક વાત ને એના સો-દોઢસો વર્ષના ઈતિહાસમાં, એની સર્જનપ્રક્રિયા, એનાં ટેક્નિકલ પાસાં, વગેરે જાણવું એ બીજી વાત. મને ઘણી નવી વાત જાણવા મળી…’

આ ઉપરાંત, માર્કેટિંગ શ્રેણીના એવૉર્ડ્સની પસંદગી કરી ૩૦ વર્ષનો માર્કેટિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવતા શ્રીપદ નાડકર્ણી અને એમના જેવાં જ અનુભવી શારદા અગરવાલે.

‘ચિત્રલેખા’ જૂથના મિત્રજિત ભટ્ટાચાર્ય કહે છે કે દર વર્ષે વધુ ને વધુ વૉચબ્રાન્ડ્સની સામેલગીરી એ એવૉર્ડ્સની લોકપ્રિયતા, વિશ્વસનીયતા તથા સફળતા સૂચવે છે.

૧૨ ઑક્ટોબર, ૨૦૧૨ની સમી સાંજે નવી દિલ્હીની પાદરે આવેલા ગુડગાંવની હોટેલ પુલમાનમાં યોજાનારા આ ભવ્ય સમારંભના અતિથિવિશેષ હશે હરિયાણાના મુખ્ય

પ્રધાન ભુપીન્દરસિંહ હુડા. આ સિવાય જાણીતા ઉદ્યોગપતિઓ, કૉર્પોરેટંધાતા, ડિપ્લોમેટ્સ, ફૅશનડિઝાઈનર્સ તથા કરિશ્મા કપૂર, નેહા ધુપિયા, પ્રતીક, ઝોયા મોરાની, વગેરે જેવાં ફિલ્મકલાકારો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ધારદાર રમૂજ માટે જાણીતા ભારતના ટોચના સ્ટૅન્ડ અપ કૉમેડિયન તથા બોલીવૂડ ઍક્ટર વીર દાસ પોતાની કળા રજૂ કરશે.

- કેતન મિસ્ત્રી

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Chitralekha News