ચિત્રલેખા ગ્રુપ ઓફ પબ્લિકેશન્સઃ   ચિત્રલેખા ગુજરાતી   |   ચિત્રલેખા મરાઠી   |   બીટીડબલ્યુ   |   વોચવર્લ્ડ
Chitralekha Group
 

 
  About Us   |   Subscribe   |   Video   |   Advertising Rates   |    Online Shopping  |  Careers  |   Contact us  
 
  લવાજમ
પ્રિન્ટેડ કોપી
 
  ફિચર્સ
 
ટ્રાવેલ
 
ફેશન
 
કાર અને બાઈક્સ
 
 
 
મુખ્ય સમાચાર
    

ભારતે પર્થ ટેસ્ટની સાથે સિરીઝ પણ ગુમાવી; ધોની એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ

NEWS

પર્થ - અહીં રવિવારે ઓસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્લો ઓવર રેટને લીધે મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કર્યો છે. આમ, ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ વધારે હતાશાજનક બન્યો છે.

અહીં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પરની ત્રીજી ટેસ્ટમાં પણ ભારતનો શરમજનક પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને એક દાવ અને ૩૭ રનથી હરાવી દીધું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની સિરીઝ ૩-૦થી પોતાના કબજામાં લઈ લીધી છે.

ઓસ્ટ્રેલિયા સામે પહેલા દાવમાં ૨૦૮ રન પાછળ રહેનાર ભારતીય ટીમ રવિવારે મેચના ત્રીજા દિવસે માત્ર ૧૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

જરૂરી ઓવર રેટ કરતા ભારતીય ટીમે બે ઓવર ઓછી ફેંકતા આઈસીસીની આચારસંહિતા હેઠળ ધોનીને શિક્ષા કરવામાં આવી છે. માત્ર અઢી દિવસની અંદર પોતાની ટીમે ત્રીજી ટેસ્ટ ગુમાવી દીધા બાદ ધોનીના અપમાનમાં આમ વધારો થયો છે.

ધોનીની જગ્યાએ એડીલેડમાં આવતા મંગળવારથી શરૂ થનારી ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું સુકાન વિરેન્દર સેહવાગ સંભાળે એવી શક્યતા છે જે વાઈસ-કેપ્ટન છે. સિરીઝમાં સેહવાગના કંગાળ ફોર્મની પણ ખૂબ ટીકા થઈ રહી છે.

સેહવાગ અગાઉ ત્રણ વખત ભારતનું સુકાન સંભાળી ચૂક્યો છે જેમાં ભારત બે મેચ જીત્યું છે.

ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ તે પહેલા ધોની સામે છૂપો બળવો પોકાર્યો હોવાનો સેહવાગ પર આરોપ મૂકાયો છે.

ધોનીને તેની મેચ ફીની ૪૦ ટકા રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કોઈ કેપ્ટન ૧૨ મહિનાની અંદર બીજી વાર સ્લો ઓવર રેટ માટે ગુનેગાર ઠરે તો તે આપોઆપ સસ્પેન્ડ થઈ જાય. આ નિયમ હેઠળ સસ્પેન્ડ થનાર ધોની પહેલો જ કેપ્ટન છે.

તેણે પહેલો ગુનો ગયા વર્ષના જુલાઈમાં બાર્બેડોસમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ વખતે કર્યો હતો.

ધોનીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને દંડનો સ્વીકાર ધોની તથા ભારત, બંનેએ કર્યો છે, તેથી વિધિસર સુનાવણીની જરૂર રહેતી નથી. એમ આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું છે.

ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગમાં ધોનીનું સ્થાન ૨૭ વર્ષનો વૃદ્ધિમાન સહા લેશે. જેની તે બીજી જ ટેસ્ટ મેચ હશે.

ભારતીય ટીમ મેચના રવિવારે ત્રીજા દિવસે માત્ર ૧૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ મેલબોર્નમાં પહેલી ટેસ્ટ ૧૨૨ રનથી અને સિડનીમાં બીજી ટેસ્ટ એક દાવ અને ૬૮ રનથી હારી હતી.

ત્રીજી મેચમાં પણ ટીમનો શરમજનક દેખાવ ચાલુ રહ્યો અને મેચ સાવ ત્રીજા દિવસે ટી-બ્રેક પહેલા જ પૂરી થઈ ગઈ.

ભારતના પહેલા દાવના ૧૬૧ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા દાવમાં ૩૬૯ રન કર્યા હતા અને ભારત ઉપર ૨૦૮ રનની લીડ હાંસલ કરી હતી.

બીજા દાવમાં ભારતના ત્રણ બેટ્સમેનો ઝીરો પર આઉટ થયા છે. આ બેટ્સમેનો છે, લક્ષ્મણ, ઝહીર ખાન અને ઈશાંત શર્મા.

દ્રવિડ અને કોહલીએ ચાર વિકેટે ૮૮ રનના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ ધપાવ્યો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે ૮૪ રનની ભાગીદારી કરી હતી, પણ દ્રવિડ ૧૩૫ રનના સ્કોર પર આઉટ થતાં જ ધબડકો થયો હતો અને બાકીના ખેલાડીઓ માત્ર ૩૬ રન કરી શક્યા અને ટીમ ૧૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારતીય ટીમ વધુ એક વાર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોની ચોકડી સામે ઝૂકી ગઈ. સૌથી વધારે વિકેટ લઈ ગયો બેન હિલ્ફેનહોસ જેણે ૧૮ ઓવરમાં ૫૪ રનના ખર્ચે ચાર બેટ્સમેનને આઉટ કર્યા. પીટર સીડલે ૪૩ રનમાં ત્રણ, મિચેલ સ્ટાર્કે ૩૧ રનમાં બે અને રિચર્ડ હેરીસે એક વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં ૧૮૦ રન કરનાર ડેવીડ વોર્નરને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ચોથી અને સિરીઝની છેલ્લી મેચ ૨૪ જાન્યુઆરીથી એડીલેડમાં રમાશે.

પરાજય બાદ ધોનીએ કહ્યું, અમે આ પ્રવાસમાં હજી સુધી સારો દેખાવ કર્યો નથી. વોર્નરે તે એક જ સત્રમાં આખી મેચ અમારા હાથમાંથી છીનવી લીધી. બેટિંગની નિષ્ફળતાએ અમને નુકસાન પહોંચાડ્યું છે. બોલરોએ તો બતાવી દીધું છે કે તેઓ વિકેટ લઈ શકે છે. અમે રન કરવામાં નિષ્ફળ ગયા. છેલ્લી બે ટેસ્ટ સિરીઝથી અમે પરિસ્થિતિ સાથે ઝડપથી સુમેળ સાધી શક્યા નથી. એડીલેડ ટેસ્ટમાં જીત મળે એ જ હવે અમારે માટે એકમાત્ર આશ્વાસન રહેશે.

ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે અને ત્યારબાદ આ બંને ટીમ તેમજ શ્રીલંકાના સમાવેશ સાથે પાંચ ફેબ્રુઆરીથી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની ટ્રાયેન્ગ્યુલર સિરીઝનો આરંભ થશે.

 

 
 
કોપીરાઈટ ૨૦૦૮, ચિત્રલેખા ગ્રુપઃ ચિત્રલેખા ગ્રુપની લેખિત સંમત્તિ વિના આ સ્ક્રીન પરની કોઈ પણ વિગતનું પુનઃપ્રકાશન કરવા કે એનો ફેલાવો કરવાની સખત મનાઈ છે.