ન્યૂ યોર્ક – એ હજી માંડ ૨૨ વર્ષની જ છે છતાં હોલીવૂડમાં સૌથી વધારે કમાણી કરતી ટોપ-10 અભિનેત્રીઓની ફોર્બ્સ યાદીમાં પહેલો નંબર હાંસલ કર્યો છે.
‘ટ્વિલાઈટ સેગા’ની સ્ટાર ક્રિસ્ટન સ્ટુઅર્ટનું નામ આજે ઘેર-ઘેર જાણીતું છે. ૨૦૧૧ના મે અને ૨૦૧૨ના મે મહિના વચ્ચેના ૧૨ મહિનાના સમયગાળા દરમિયાન ક્રિસ્ટને ૩ કરોડ ૪૫ લાખ ડોલરની કમાણી કરી હતી.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાતી આ યાદીમાં સ્થાન મેળવનાર ક્રિસ્ટન અત્યાર સુધીની સૌથી યુવાન વયની અભિનેત્રી છે. ત્યારપછીના નંબરે આવે છે ચાર્લી થેરોન અને એન્જેલીના જોલી. આ બંને અભિનેત્રી અનુક્રમે ૩૬ અને ૩૭ વર્ષની વયની છે.
ગયા વર્ષે રિલીઝ કરાયેલી યાદીમાં ૮મો નંબર મેળવનાર કેમરન ડિયાઝ આ વખતે જમ્પ લગાવીને બીજા નંબરે પહોંચી ગઈ છે. તેની કમાણી છે ૩ કરોડ ૪૦ લાખ ડોલર. સેન્ડ્રા બુલોક અઢી કરોડ ડોલર સાથે ત્રીજા નંબર પર છે તો ગયા વર્ષે સારાહ જેસીકા પાર્કર સાથે પહેલા નંબર પર રહેલી એન્જેલીના જોલી બે કરોડ ડોલરની કમાણી સાથે ચોથા નંબર પર છે.
ફોર્બ્સ મેગેઝીન અભિનેત્રીઓની કમાણીનો આંક તેમણે ફિલ્મોમાં કરેલી ભૂમિકાઓ માટે મેળવેલા મહેનતાણા તથા બોક્સ ઓફિસ પરના વેચાણ, ડીવીડી તથા બ્લુ-રે ના વેચાણ પર મેળવેલી રોયલ્ટીના આધારે કરે છે. અભિનેત્રીઓ એન્ડોર્સમેન્ટ સોદાઓમાંથી જે કમાણી મેળવે છે તેને પણ ફોર્બ્સ ગણતરીમાં લે છે.
ટોચની દસ અભિનેત્રીઓ અને તેમણે કરેલી કમાણીનો આંકઃ
(૧) ક્રિસ્ટન સ્ટુઅર્ટ – ૩ કરોડ ૪૫ લાખ ડોલર
(૨) કેમરન ડિયાઝ – ૩ કરોડ ૪૦ લાખ ડોલર
( ૩) સેન્ડ્રા બુલોક – ૨ કરોડ ૫૦ લાખ ડોલર
(૪) એન્જેલીના જોલી – બે કરોડ ડોલર
(૫) ચાર્લી થેરોન – ૧ કરોડ ૮૦ લાખ ડોલર
(૬) જુલીયા રોબર્ટ્સ – ૧ કરોડ ૬૦ લાખ ડોલર
(૭) સારાહ જેસીકા પાર્કર – ૧ કરોડ ૫૦ લાખ ડોલર
(૮) મેરીલ સ્ટ્રીપ – ૧ કરોડ ૨૦ લાખ ડોલર
(૯) ક્રિસ્ટીન વિગ – ૧ કરોડ ૨૦ લાખ ડોલર
(૧૦) જેનીફર એનિસ્ટન – ૧ કરોડ ૧૦ લાખ ડોલર



















