બીયરમાં એક મહત્વના તત્વનો જો મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે તો એ શિયાળાની ઋતુમાં શરદીની તકલીફ સામે રક્ષણ કરે છે એટલું જ નહીં, નાનાં બાળકોને અમુક ગંભીર બીમારીઓમાંથી પણ બચાવે છે.
જાપાનની એક લીકર ઉત્પાદક કંપનીએ હાથ ધરેલા વૈજ્ઞાનિક અભ્યાસ પરથી આ માલૂમ પડ્યું છે.
સેપોરો બ્રુવરીઝના નિષ્ણાતોનું કહેવું છે કે બીયરમાં કડવો સ્વાદ લાવનાર છે હોપ્સ નામની એક વનસ્પતિમાં રહેલું એક રાસાયણિક તત્વ. જોકે આ તત્વ યુવા વ્યક્તિઓ, ખાસ કરીને બાળકોનું ન્યૂમોનિયા અને બ્રોન્કાઈટિસ જેવી બીમારીઓ લાવનાર વાયરસ સામે અસરકારક રીતે રક્ષણ કરે છે.
સેપોરો મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસ દ્વારા શોધી કાઢ્યું છે કે બીયરમાં રહેલું તત્વ ‘હુમુલોન’ રેસ્પિરેટરી સિન્સીશલ (આરએસ) વાયરસ સામે અસરકારક રીતે રક્ષણ આપે છે. આરએસ વાયરસ નવજાત શિશુઓ અને બાળકોમાં ન્યૂમોનિયા અને શ્વાસની તકલીફો પેદા કરે છે. એ તબક્કે નવજાત શિશુઓને કોઈ પ્રકારની રસી આપી શકાતી નથી. આ વાયરસ શિયાળામાં ફેલાતો હોય છે અને પુખ્ત વયનાંઓમાં શરદી જેવા લક્ષણો પેદા કરે છે.
બીયરમાં હુમુલોનની હાજરી જોવા મળી છે. બીયરના ૩૫૦ મિ.મી.ના ૩૦ જેટલા કેન પીવાથી વાયરસ સામેની પ્રતિકારક શક્તિ મળી રહે.
વિજ્ઞાનીઓ હવે હુમુલોનને ખાદ્યપદાર્થો કે નોન-આલ્કોહોલિક પ્રોડક્ટ્સમાં કેવી રીતે ઉમેરવું તેનો અભ્યાસ કરી રહ્યા છે. એમને પડકાર છે, કડવો સ્વાદ જે બાળકોને ન ભાવે.



















