સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ ટેનિસ કોર્ટ પર તો જોરદાર ફોરહેન્ડ સ્ટ્રોક ફટકારતો હોય છે, એણે બિઝનેસમાં પણ ધમાલ મચાવી દીધી છે. વિશ્વમાં સૌથી મોંઘા ચીઝ તરીકે જેની ગણના કરાય છે તે ડોન્કી ચીઝની આ વર્ષ માટેની વર્લ્ડ સપ્લાય એણે ખરીદી લીધી છે.
આ ચેમ્પિયન ખેલાડીએ ૨૦૧૩ના વર્ષ માટે ડોન્કી ચીઝનાં ઉત્પાદન અને વેચાણના સંપૂર્ણ હક ખરીદી લીધા છે. તેનો ભાવ પ્રતિ કિલો ૧૦૦૦ પ્રતિ યુરો ડોલર છે. બેલગ્રેડ શહેરના એક ફાર્મમાં બાલ્કન જાતિની ગધેડીઓનાં દૂધમાંથી આ ચીઝ બનાવવામાં આવે છે.
પ્રસૂતાનાં દૂધમાં જે ગુણ હોય છે તે ગધેડીના દૂધમાં હોય છે. તેના સેવનથી કોલેસ્ટરોલનું પ્રમાણ અંકુશમાં રહે છે.
વિમ્બલ્ડન ચેમ્પિયન જોકોવિચે સર્બિયામાં તેની માલિકીની નોવાક કેફે એન્ડ રેસ્ટોરાની ચેન રેસ્ટોરાંઓમાં ડોન્કી ચીઝ પીરસવા માટે ગધેડાઓના ફાર્મના માલિક સાથે કરાર કર્યો છે.
ડોન્કી ચીઝ સફેદ રંગનું અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે.
બેલગ્રેડથી લગભગ ૫૦ માઈલ દૂરના સ્થળે આવેલી ઝેસાવીકા ચીઝ કંપનીના મેનેજરનું કહેવું છે કે અમારું ફાર્મ એકમાત્ર એવું છે જે ચીઝના ઉત્પાદન માટે ગધેડીઓનું દૂધ મેળવે છે.
ગધેડીનાં દૂધમાં માત્ર ૧ ટકો ચરબી હોય છે અને વિટામીન-સી ભરપૂર માત્રામાં હોય છે.
વિશ્વમાં નંબર-વન સિંગલ્સ પ્લેયર જોકોવિચે ચાલુ વર્ષ માટે ડોન્કી ચીઝનો બધો માલ વિશ્વમાં તેના એકમાત્ર ઉત્પાદક પાસેથી ખરીદી લીધો છે.



















