આજકાલ વધુ ને વધુ લોકો ભોજનમાં સામાન્ય સિંગ તેલને બદલે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાનું સૂચન કરતા જોવા મળે છે, પરંતુ આ તેલના સંદર્ભમાં હજી લોકોમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી. બલકે કેટલીક ગેરમાન્યતાઓ વધુ પ્રચલિત બની રહી છે. તેથી આ તેલનો ઉપયોગ કરતા પહેલાં તેને લગતી હકીકત જાણી લેવાની અને શંકાનું નિવારણ કરી લેવું જરૂરી છે.
એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ
એક સામાન્ય માન્યતા એવી છે કે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને ગરમ કરવાથી તેના ગુણકારી તત્વો નાશ પામે છે, પરંતુ હકીકત એ છે કે મોટાભાગના ઓલિવ ઓઈલ 230 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની ગરમી સરળતાથી ખમી શકે છે. આ ટેમ્પ્રેચર આપણા પૂરી તળવા માટે ગરમ કરવામાં આવતા તેલથી પણ ઘણું વધારે છે. તેથી ડરવાની કોઈ જરૂર નથી. તમે ઈચ્છો તો એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને માત્ર શાક કે દાળમાં વઘાર પૂરતું જ નહીં, પરંતુ આપણા ટીપિકલ તળેલા ગુજરાતી નાસ્તા બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. અલબત્ત એટલું ખરું કે ગરમ કરવાથી ઓલિવ ઓઈલના સ્વાદ અને સુગંધમાં થોડોક ફરક ચોક્કસ આવે છે. તેથી તમે કોઈ મોંઘીદાટ ઓલિવ ઓઈલની બાટલીમાં તમારા પૈસા રોક્યા હોય તો પૂરેપૂરી લિજ્જત માણવા તેનો ઉપયોગ માત્ર સલાડ ડ્રેસિંગ તરીકે કરવો વધુ સંતોષકારક રહેશે.
લાઈટ ઓલિવ ઓઈલ
લોકોનું એવું પણ કહેવું છે કે અન્ય ઓલિવ ઓઈલની સરખામણીમાં લાઈટ ઓલિવ ઓઈલમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે સત્ય એ છે કે આ બધું ઓલિવ ઓઈલ તૈયાર કરતી કંપનીઓએ ઊભું કરેલું ગતકડું માત્ર છે. વાસ્તવમાં ઓલિવ ઓઈલના સંદર્ભમાં જ્યારે લાઈટ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તેનો અર્થ તેના સ્વાદ અને સુગંધની નિયંત્રિત માત્રા સાથે જોડાયેલો છે. તેથી જ કેટલીક કંપનીઓ લાઈટને સ્થાને ખાસ ભારતીય ભોજન માટે તૈયાર કરવામાં આવેલા ઓલિવ ઓઈલ તરીકે તેનો પ્રચાર કરે છે. જોકે, આ તેલમાં પણ કેટલીક મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ તો રહેવાની જ, તેથી અન્ય ઓલિવ ઓઈલની સરખામણીમાં લાઈટ ઓલિવ ઓઈલ ઓછા કેલેરીવાળું છે એવું માનવાને કોઈ કારણ નથી. હા, એટલું ખરું કે તેમાં એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ જેટલા એન્ટી-ઓક્સિડન્ટ નહીં હોય.
ફર્સ્ટ કોલ્ડ પ્રેસિંગ
આમ જનતામાં એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ અને ફર્સ્ટ કોલ્ડ પ્રેસિંગ દ્વારા પ્રાપ્ત થયેલ ઓઈલ સંબંધી પણ અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. કેટલાકનું માનવું છે કે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલની સરખામણીમાં ફર્સ્ટ કોલ્ડ પ્રેસિંગની પદ્ધતિથી પ્રાપ્ત થયેલું ઓલિવ ઓઈલ વધુ ગુણકારી હોય છે, જ્યારે હકીકત એ છે કે કોઈ પણ સારી ક્વૉલિટીનું એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ ફર્સ્ટ પ્રેસિંગની પદ્ધતિથી જ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય છે. વાસ્તવમાં ઓલિવમાંથી તેલ કાઢવા તેને ગરમ કરવાની જરૂર નથી. સાચી પદ્ધતિ ઓલિવને સામાન્ય તાપમાનમાં એકવારમાં જ પીસીને તેમાંથી તેલ કાઢવાની છે. એમાં પણ પીસતી વખતે ઓલિવના ફળનું તાપમાન જેટલું નીચું તેટલું તેલ વધુ ગુણકારી. તેથી કેટલાક દેશોમાં ઓલિવના ફળમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા રાતના સમયે હાથ ધરવામાં આવે છે. તેથી પોષક તત્વોની દૃષ્ટિએ ઓલિવ ઓઈલ કેટલું સારું છે તે સમજવા એ તેલમાં વપરાયેલા ઓલિવના ફળોની કાપણી ક્યારે થઈ હતી તે જાણવું જોઈએ. આ માહિતી તમને તેલની બાટલી પર પ્રિન્ટ કરવામાં આવેલી વિગતોમાં સરળતાથી જોવા મળશે. તેલ જેટલું તાજું હશે તેટલું ગુણોની દ્રષ્ટિએ વધુ સમૃદ્ધ હશે.
બીજી મહત્વની વાત એ કે, કાચની બાટલીમાં મળતા તેલને સ્થાને બને ત્યાં સુધી પ્લાસ્ટિક અથવા કાગળના પૂઠ્ઠાના બનેલા ટેટ્રા પેક્સમાં મળતું તેલ વાપરવાનું પસંદ કરવું જોઈએ, કારણ કે સૂર્ય પ્રકાશથી કાચની બાટલી ભરવામાં આવેલા તેલની ગુણવત્તા પર અસર પડે છે.
- ફાલ્ગુની જડિયા-ભટ્ટ



















