ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓ અનાનસ ફળની એક નવી જાતનાં સર્જન ઉપર કામ કરી રહ્યાં છે. નવી જાતનું અનાનસ મીઠું અને ભરપૂર રસવાળું તો છે જ, પણ એમાં એક વધુ સ્વાદનો ઉમેરો કરાયો છે, નાળિયેરના સ્વાદનો.
વિશ્વમાં ફળનાં સ્વાદમાં કૃત્રિમ ફેરફાર કરવાનો આ પહેલી જ વાર પ્રયાસ થઈ રહ્યો છે. ક્વીન્સલેન્ડ રાજ્યના કૃષિ વિભાગના નિષ્ણાતો તેમના આ પ્રયોગના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. નવી વેરાયટીનું અનાનસ ‘ઓસફેસ્ટિવલ પાઈનેપલ’ નામે ઓળખાશે.
હોર્ટિકલ્ચરિસ્ટ ગાર્થ સેનેવ્સ્કીનું કહેવું છે કે, કોકોનટ ફ્લેવરવાળું અનાનસ મજેદાર સ્વાદવાળું બન્યું છે. આવું અનાનસ તમને બીજે ક્યાંય નહીં મળે. એ સ્વાદમાં મીઠું છે, રસથી ભરપૂર છે અને એમાં એસિડનું પ્રમાણ ઓછું છે.
નવી જાતના અનાનસનાં ઝાડ કમર્શિયલ ધોરણે ઉગાડતાં બે વર્ષ નીકળી જશે એવું વિજ્ઞાનીઓ કહે છે.



















