પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સંપન્ન થયું BAPS યુવા અધિવેશન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે યુવાઓ પર વરસાવ્યા આશિર્વાદ

સારંગપુર (ગુજરાત) – એક તરફ વિશ્વમાં યુવાનો સૌને માટે ચિંતાનો એક વિષય બની ગયા છે ત્યારે બીજી તરફ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થા યુવાનોની એવી પેઢી તૈયાર કરી રહી છે જેઓ સંસ્કાર અને આધ્યાત્મિક્તાને જીવનના કેન્દ્રસ્થાને રાખીને રચનાત્મક પ્રવૃત્તિઓમાં યૌવનને ખીલવી રહી છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની યુવા પ્રવૃત્તિને ૬૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં તીર્થધામ સારંગપુર (હનુમાન) ખાતે હાલમાં જ સંસ્થાના ઉપક્રમે યુવા અધિવેશન યોજાઈ ગયું જેમાં હજારોની સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

અખિલ ભારતીય યુવા અધિવેશનના પૂર્વ તબક્કા રૂપે જુદા જુદા ભૌગોલિક ઝોનમાં યોજાયેલા ક્ષેત્રીય અધિવેશનમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર કે જયપુરથી લઈને ગુજરાતના અનેક શહેરો અને ગામડાંઓમાં બી.એ.પી.એસ.ના યુવકમંડળોના ૨૨ હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. તેમાંથી પસંદગી પામેલા ૩૫૦૦ યુવા-યુવતીઓ અંતિમ તબક્કામાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સારંગપુર આવ્યા હતા.

યુવાનોમાં જોવા મળ્યો અભૂતપૂર્વ અનેરો ઉત્સાહ

શહેરી વાતાવરણથી દૂર તીર્થધામ સારંગપુરમાં વિશાળ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ૪-૯ જૂન દરમિયાન પાંચ-દિવસીય અધિવેશનનો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો.

વક્તૃત્વ સ્પર્ધા, શાસ્ત્ર-નિરૂપણ સ્પર્ધા, શાસ્ત્ર-મુખપાઠ સ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા, સંગીત સ્પર્ધા, સંવાદ-નાટ્ય સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાનું આગવું કૌશલ્ય બતાવ્યું હતું.

નિર્ણય આપવામાં નિર્ણાયકોની આકરી કસોટી થઈ જાય એવી કઠિન હરીફાઈ તમામ સ્પર્ધાઓમાં જોવા મળી હતી.

આજકાલ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને આધુનિક શિક્ષણપ્રથાને લીધે યુવાનોની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે ત્યારે અહીં યુવાનોએ સેંકડો પૃષ્ઠોના ગ્રંથોને કડકડાટ કંઠસ્થ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નોંધનીય છે કે, આ યુવાનો ૯મા ધોરણથી લઈને મેડિકલ, એન્જિનિયરિંગ કે વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ હતા.

ત્યારબાદ પારિતોષિક વિતરણ સમારંભમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. અધિવેશનના ભાગરૂપે બે દિવસની સઘન આધ્યાત્મિક તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેના શાનદાર પૂર્ણાહુતિસત્રમાં અધિવેશનના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સૌ યુવાનો પર આશિર્વાદ વરસાવ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજે તેમના આશિર્વચનોમાં જણાવ્યું કે, ‘આધ્યાત્મિક સંસ્કારો વિના ગમે તેટલી ભૌતિક પ્રગતિ કરીશું તો પણ સુખ અને શાંતિ નહીં મળે. યુવાનીનો શ્રેષ્ઠ ઉપયોગ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, ઉચ્ચ સંસ્કાર મેળવવા માટે અને સેવા માટે થવો જોઈએ.’

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS