અમદાવાદ – ૨૦૦૨માં ગોધરાકાંડ બાદના રમખાણો દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગરમાં ૧૧ મુસ્લિમોની હત્યાના કેસમાં અહીંની સ્પેશિયલ કોર્ટે ૨૨ આરોપીઓને રમખાણો કરવા અને હત્યાના પ્રયાસ માટે કસુરવાર જાહેર કર્યા છે. આમાંના એક આરોપીનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું છે.
એકેય અપરાધી સામે હત્યા અને ક્રિમિનલ ષડયંત્રનો ચાર્જ સાબિત કરી શકાયો નથી.
નિયુક્ત કરાયેલા જજ એસ.સી. શ્રીવાસ્તવે ૬૧ આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આમાંના ૫૧ને શંકાનો લાભ આપી છોડી મૂકાયા છે. બે રાજકારણી – ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રહલાદ ગોસા અને વિસનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખ ડાયાભાઈ પટેલને પણ શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂક્યા છે.
પોલીસ ઈન્સ્પેક્ટર અને કેસમાં તપાસ હાથ ધરનાર પ્રથમ અધિકારી એમ.કે. પટેલને ફરજમાં બેદરકારી દાખવવા માટે અપરાધી જાહેર કરવામાં આવ્યા છે.
૨૦૦૨ના રમખાણોમાં અપરાધી જાહેર કરાયા હોય એવા પટેલ પહેલા પોલીસ અધિકારી છે.
એક અપરાધી – અશોક પરમારને બાદ કરતા તમામ અપરાધીઓ પટેલ સમાજના છે.
નોંધનીય છે કે, ગોધરાકાંડ ટાણે ૨૮ ફેબ્રુઆરી ર૦૦૨ના રોજ વિસનગરમાં હથિયારો લઇને એક ટોળું વિસનગરના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસમાં બે દિશામાંથી ધસી આવ્યું હતું. ત્યાં મકાનો પર સળગતા કાકડા નાખી લઘુમતીઓના એક જ પરિવારનાં પાંચ બાળકો સહિત ૧૧ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
બાદમાં લાશોનો નિકાલ કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશોને ચુડીવાસથી આશરે બે કિલોમીટરના અંતરે આવેલા માલવ તળાવ નજીક લઇ જઇ સળગાવી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં ઇજા પામેલા લઘુમતી કોમની ૨૩ વ્યક્તિઓને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મહંમદ ઇકબાલ અહેમદખાન બલોચે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં વર્ષ ૨૦૦૨માં ચાલવા પર આવ્યો હતો. જેમાં કોર્ટે ૮૩ વ્યક્તિની વિરુદ્ધમાં આરોપનામું ઘડી ટ્રાયલ ચાલુ કર્યો હતો. જોકે, આ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક કથિત આરોપીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ મુકેશભાઇ બ્રહ્મભટ્ટે ૧૪પ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.




















