ગાયકવાડી રાજની ઉત્તમ પ્રશાસનિક પરંપરાનો જોટો જડે એમ નથી: મોદી

વડોદરા – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિના મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે સંસ્‍કાર અને જનહિતની સુખાકારીના કીર્તિમાન એવા ઉત્તમ ગાયકવાડી પ્રશાસનની પરંપરાનો જોટો જડે એવો નથી.

સમગ્ર વડોદરા મહાનગર સમિતિ અને સયાજીરાવ ગાયકવાડ સ્‍મારક ટ્રસ્‍ટના ઉપક્રમે રવિવારથી વડોદરામાં સયાજીરાવ સાર્ધ જન્મશતાબ્દી મહોત્સવનો આન-બાન-શાનથી પ્રારંભ થયો હતો.

મોદીએ ‘સયાજી સવારી’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ‘સયાજી સવારી’માં ૧૧૦ જેટલા ટેબ્‍લોઝ–ફલોટ્સમાં સયાજીરાવ સુશાસનની વિશિષ્‍ટ પહેલ, પરંપરાઓની પ્રસ્‍તુતિ કરવામાં આવી છે. ગાયકવાડ રાજવી પરિવારે આ સમગ્ર કાર્યક્રમમાં શોભાવૃદ્ધિ કરી હતી.

મોદીએ કહ્યું કે, વડોદરાની ગાયકવાડી રાજવ્યવસ્થામાં ૧૯૦૮માં પ્રજામંડળ દ્વારા લોકતંત્રનું સત્વ અને લોકશાહીનું તત્વ તેમણે સાકાર કરેલું. પ્રજાવત્સલ એવા ગાયકવાડી રાજવી સયાજીરાવે લોકહિત અને પ્રસાશનિક વ્યવસ્થામાં કેળવણી, વ્યાયામ, સામાજિક કુરિવાજો સામેના કાયદા, નગરજનોની સુખાકારી માટે પાણી, રસ્તાની પ્રાથમિક માળખાકીય સગવડો, ઉદ્યોગો અને કૃષિ વિકાસ, સંસ્‍કાર, સાહિત્ય અને કલાનું સંવર્ધન જેવા કરેલા કાર્યો અને આયામો આ બધું જ આજે પણ ગાયકવાડી રાજની ઉજ્જવળ પરંપરા રૂપે સ્‍તુત્ય અને પ્રેરણાદાયી છે.

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની સુશાસક તરીકેની સર્વક્ષેત્રીય ઉપલબ્ધિઓ વડોદરાવાસીઓ અને ગુજરાત માટે ગૌરવરૂપ છે તેવી લાગણી મહાનગર ઉજવણી સમિતિના અધ્યક્ષ મેયર ડૉ. જ્યોતિ પંડ્યાએ તેમનાં આવકાર પ્રવચનમાં વ્યક્ત કરી હતી.

દિગ્ગજ સાહિત્યકાર પ્રા. સિતાંષુ યશશ્ચંદ્ર અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.

૨૦૧૨ના વર્ષમાં ગુજરાતના જાહેરજીવન માટે અનેક મહાનુભાવોને સ્‍મરણાંજલિ આપવાનો સુયોગ થયો છે તેની રૂપરેખા આપી મોદીએ જણાવ્યું કે સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ, ભાવનગરના મહારાજા શ્રી કૃષ્‍ણકુમારસિંહજીની જન્મશતાબ્દી, સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિ, પન્નાલાલ પટેલ જેવા સમર્થ સાહિત્ય સર્જકની શતાબ્દી અને પંચાયતી રાજની સ્‍વર્ણિમ જયંતી જેવા ઉજવણીના અનોખા અવસરો ગુજરાતમાં આવ્યા છે.

મોદીએ આ પ્રસંગે ડૉ. બંસીધર શર્મા લિખીત ‘સયાજીરાવ જીવન દર્શન’ અને ગુજરાત સમાચાર, લંડનના પ્રકાશક સી.બી.પટેલ સંકલિત કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS