ગ્રીન સિટી, બ્યૂટીફુલ સિટી ગાંધીનગરે ૪૮મા વર્ષમાં કર્યો પ્રવેશ

ગાંધીનગર – ગુજરાતના પાટનગર ગાંધીનગરે ગુરુવારે તેની સ્થાપનાના ૪૭ વર્ષ પૂરા કરીને ૪૮મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

૧૯૬૫ની બીજી ઓગસ્ટે આ શહેરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આજે આ શહેર સુંદર, રળિયામણું અને હરિયાળું છે, હાલમાં જ ભારતનું એને ‘ટ્રી કેપિટલ’ તરીકે પણ ઓળખાવાયું છે.

આયોજનબદ્ધ વિકાસ પામેલા શહેર તરીકે ગાંધીનગરે દેશમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે. ગાંધીનગરનું નામ પડતાં જ નજર સમક્ષ લીલાછમ મેદાનો, ઉદ્યાનો, સ્વચ્છ રસ્તાઓનું જાણે ચિત્ર આવી જાય. ગાંધીનગર શાંત શહેર તરીકે પણ પંકાયું છે.

શહેરનો વિકાસ ચાર તબક્કામાં કરવામાં આવ્યો છે. અંતિમ તબક્કો શરૂ થયો હતો વર્ષ ૨૦૦૨માં. એ માટે ત્રણ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એક, લીલોતરી, બે, સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ અને ત્રણ, પંચરંગી વસ્તી.

ગાંધીનગરમાં શિક્ષણ ક્ષેત્રનો પણ આયોજનપૂર્વક વિકાસ કરવામાં આવ્યો છે. તો ઔદ્યોગિક, પર્યટન, ટ્રાન્સપોર્ટેશન, ધર્મ એમ દરેક ક્ષેત્રમાં પણ સરસ પ્રગતિ થઈ છે. શહેર ટ્રાન્સપોર્ટેશનના તમામ માધ્યમોથી કનેક્ટ થયેલું છે. ગુજરાત સરકારે હવે ગાંધીનગરને મેટ્રોલિન્ક એક્સપ્રેસ દ્વારા અમદાવાદ સાથે જોડવાનો પણ નિર્ણય લીધો છે.

સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર, નેચર પાર્ક જેવા સ્થાન દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવે આ જ શહેરમાં મહાત્મા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેના કન્વેન્શન-કમ-એક્ઝિબિશન સેન્ટરમાં ૫૦૦૦ જણનો સમાવેશ થઈ શકશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં રાજ્ય સરકાર મહાત્મા મંદિરને રાજ્યના સૌથી મોટા ટૂરિસ્ટ એટ્રેક્શન તરીકે ડેવેલપ કરવા ધારે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS