ગામના મંદિર જેટલું જ મહત્વ ગામની શાળાનું છેઃ વાલી સમાજને મોદીની અપીલ

અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મી કન્યા કેળવણી ઝુંબેશ અને શાળા પ્રવેશોત્સવ ઝુંબેશનો ગુરુવારથી શુભારંભ કર્યો છે. તેમણે એ માટે ઉત્તર ગુજરાતના વનવાસી વિસ્તારના ભિલોડા તથા વિજયનગર તાલુકાઓના ગામડાંઓની પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી.

શાળા પ્રવેશોત્સવ ઝુંબેશમાં ગુજરાતના ૧૮,૦૦૦ ગામોની ૩૨,૭૭૨ પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવશે.

કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવનાં પ્રારંભે મોદીએ ગુરુવારે સવારે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વાલી સમાજને પ્રેરક સંબોધન કર્યું. તેમણે પ્રેરક અપીલ કરતાં જણાવ્યું કે ગામમાં મંદિર જેટલું જ મહત્વ પ્રાથમિક શાળાનું છે. આપણા બાળકનું બાળપણ એમાં પ્રાણશકિત તરીકે ધબકતું રાખવાનું આપણું દાયિત્વ છે.

મોદીએ કરેલું સંબોધન એમના શબ્દોમાં નીચે મુજબ છે:

પ્રિય મિત્રો,

લોકો મને ઘણીવાર પૂછે છે, “સરકારનાં આટલા બધા કાર્યક્રમોમાંથી તમને કયો કાર્યક્રમ સૌથી વધુ પસંદ છે?” જોકે, સરકારનાં પ્રત્યેક કાર્યક્રમને હું ગુજરાતનાં છ કરોડ લોકોની સેવાનો અવસર સમજું છું, પણ મારે કહેવું જોઈશે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઝુંબેશનું મારા હૃદયમાં વિશેષ સ્થાનછે. મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં લોકોની સેવાની તક મળી એ દિવસ કરતાં પણ વધુ યાદગાર મારા માટે એ દિવસો છે જ્યારે નાનકડા ભુલકાઓને શાળાએ લઈ જવાનું સદનસીબ મને પ્રાપ્ત થાય છે! દેશનાં ભવિષ્યસમાન આ નાનકડા બાળકોને શાળામાં પહેલું ડગ માંડતા જોઈને મને અનહદ આનંદ થઈ આવે છે.

શાળા પ્રવેશોત્સવનો હેતુ પ્રાથમિક શાળાઓમાં સો ટકા નામાંકન સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે કન્યા કેળવણી ઝુંબેશ દ્વારા આપણે કન્યાશિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રતિબધ્ધ છીએ. શાળાનો ઓરડો હોય કે ખેલનું મેદાન, દિકરીઓને વિજયી થતી જોવાની ખુશી કાંઈ અલગ જ છે.

જુન મહિનો એટલે બળબળતી ગરમીમાંથી મુક્તિનો સમય. પ્રત્યેક વર્ષે આ જ અરસામાં હું, મંત્રીમંડળનાં મારા સાથીઓ, વરિષ્ટ સરકારી અમલદારો અને અધિકારીઓની આખીય ‘ટીમ ગુજરાત’ ગામે-ગામ લોકોને તેમના નાના બાળકોને શાળામાં ભરતી કરવાની વિનંતી કરીએ છીએ. આજથી આપણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે, જ્યારે મહિનાનાં અંતે આ અભિયાન આપણે શહેરીવિસ્તારોમાં યોજીશું.

મેં જોયું છે કે શાળાનો પહેલો દિવસ ભાગ્યે જ કોઈને યાદહોય છે, કારણકે એ દિવસે ‘ખાસ’ કહેવાય એવું કાંઈ બનતું નથી. પણ, હવે મને ખુશી છે કે આ બાળકો જ્યારે શાળામાં પહેલા કદમ માંડશે ત્યારે માત્ર તેમનાં વાલીઓ જ નહિ પણ સમગ્ર ગુજરાતની નજર તેમની ઉપર હશે. જરા વિચાર તો કરો, નાનકડા બાળકને પહેલા દિવસે શાળાએ મૂકવા તેની સાથે યુનિફોર્મમાં સજ્જ એવા એક આઈપીએસ અધિકારી કે પછી કોઈ રાજ્યમંત્રી જશે તો આ બાબત તેના મન ઉપર કેવી રોમાંચક છાપ છોડી જશે? મને ખાત્રી છે કે કોઈપણ બાળક આ દિવસને જીવનભર ભૂલી શકશે નહિ.

આ વર્ષની ઝુંબેશમાં ૩૪,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે. કન્યાઓને ધોરણ-૧ માં પ્રવેશ વખતે સરકાર દ્વારા અપાતા રૂપિયા ૧,૦૦૦નાં બોન્ડ, કે જેનાં ધોરણ-૭ માં પાકતી મુદતે રૂપિયા ૨,૦૦૦ મળે છે, તેમાં પહેલીવાર હવે સરકાર દ્વારા વ્યાજ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, બાળકોને ૪૮,૦૦૦ જેટલી સાયકલો આપવામાં આવશે અને આંગણવાડીનાં ભુલકાઓને રમકડાં વહેંચવામાં આવશે. ૧૦,૫૯૫ જેટલાં નવા ક્લાસરૂમ ઉમેરવામાં આવશે, જ્યારે ૨૬,૦૦૦ જેટલા શાળાકિય માળખાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણને લગતાં આપણાં તમામ પ્રયાસો પાછળ આપણું મિશન માનવ સંપદાની ક્ષમતાનો વિકાસ કરવાનું છે. આ માટે આપણે મૂળભુત બાબતોથી શરૂઆત કરવી પડશે. અને એટલે જ પ્રાથમિક શિક્ષણ ઉપરધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક બની જાય છે.

આ કાર્યક્રમોમાં સહકાર આપવા હું આપ સૌને વિનંતી કરું છું, કે જેથી કોઈ બાળક શિક્ષણનો આ સુવર્ણ અવસર ચૂકી ન જાય, એક એવો અવસર જે આગળ ઉપર વિકાસનાં અનેક દ્વાર ખોલી આપશે.

આપનો,

નરેન્દ્ર મોદી

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS