ગાંધીનગર-અમદાવાદને જોડી દેવાશે મેટ્રો રેલવેથી

ગાંધીનગર – ગુજરાતમાં અત્યંત ઝડપી ગતિએ શહેરીવિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં પરિવહન અંતર-માળખાને સુદ્રઢ કરી તેમાં સુલભ-સલામતી અને પોષણક્ષમ પરિવહન વ્યવસ્થા ઊભી કરી ગીચતાની સમસ્યા ઓછી કરવા માટે મેટ્રો રેલવે પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારે ગાંધીનગર-અમદાવાદને જોડતી મેટ્રો રેલ સિસ્ટમના વિકાસ માટે પહેલ કરી છે.

ગુજરાતના શહેરોમાં વધતી જતી વાહનોની સંખ્યા અને રસ્તાઓ પર વધતા ટ્રાફિકની સમસ્યા તેમજ હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા મહાનગરો માટે શહેર-પરિવહન પ્રાયોજન સિટી મોબિલિટી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સકાર દ્વારા અમદાવાદ તથા તેની આસપાસના વિસ્તારોમાં થઇ રહેલા ઝડપી વિકાસને ધ્યાનમાં લઇને અન્ય જાહેર પરિવહન વ્યવસ્થાને પૂરક થઇ રહે તે રીતે રીજનલ રેલ સિસ્ટમ વિકસાવવાનું આયોજન કર્યું છે. બી.આર.ટી.એસ. જાહેર પરિવહન માટે રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચેં અમદાવાદમાં ૯૦ કિ.મી, સુરતમાં ૩૦ કિ.મી. અને રાજકોટમાં ૧૧ કિ.મી.ની વિશ્વસ્તરીય બી.આર.ટી.એસ. સેવા પૂરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત રાજ્યના ૧૫ શહેરોમાં જાહેર-ખાનગી ભાગીદારીથી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવાશે.

ગુજરાત શહેરી વિકાસ વિભાગ, કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ અને પ્રાઇઝ વોટર હાઉસ કુપર્સ દ્વારા સંયુક્ત રીતે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ઈમર્જિગ ટ્રેન્ડ્સ ચેલેન્જિસ એન્ડ વે એ હેડ’ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ખાતાના પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં ૨.૫૭ કરોડ જેટલી વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. છેલ્લા દાયકામાં આ વસ્તી વૃદ્ધિ દર વધીને ૩૫.૮૩ ટકા થયો છે. આવા નાગરિકોને સુવિધાપૂર્ણ સેવા પૂરી પાડવામાં તેમજ પ્રજાનું જીવનધોરણ ઉંચું લાવવા માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારની અંદાજપત્રીય જોગવાઇમાં ૪૫ ગણો વધારો છેલ્લા દાયકામાં કર્યોં છે.

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ તથા ૮ મહાનગરપાલિકાઓમાં આંતર-માળખાકીય અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાના પડકારને પહોંચી વળવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગના સચિવ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશના ચેરમેન સુધિર ક્રિશ્નાએ જણાવ્યું કે, શહેરી વિકાસ સંદર્ભે જ્યારે પણ ગુજરાત આવવાનું થાય ત્યારે મને નવીનવી જાણકારી મળે છે. નાગરિકોનો ધસારો શહેર તરફ વધી રહ્યો છે ત્યારે નગર રચના અને ટ્રાન્સપોર્ટેશન આયોજનપૂર્વક થાય તો જ શહેરોનો સંતુલિત વિકાસ શક્ય બને તેમણે અમદાવાદની બી.આર.ટી.એસ.ની યોજનાને ઉત્કૃષ્ટ ગણાવી, અભિનંદન આપી, આ યોજના રાજ્યના અન્ય મહાનગરોમાં અમલી બનાવવા પર ભાર મૂક્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS